Wipro Layoffs: ટેક્નોલૉજીની દુનિયામાં છટણી થઈ રહી છે જે કર્મચારીઓની ઊંઘ હરામ કરી રહી છે. ગયા અઠવાડિયે જ બે દિગ્ગજ ટેક કંપનીઓએ સામૂહિક છટણીની જાહેરાત કરી છે. આ ટોચની ટેક કંપનીઓમાં ગૂગલ અને માઇક્રોસોફ્ટનો સમાવેશ થાય છે. ગૂગલે 12,000 કર્મચારીઓને બરતરફ કર્યા છે જ્યારે માઇક્રોસોફ્ટે વૈશ્વિક સ્તરે 10,000 કર્મચારીઓને બરતરફ કર્યા. હવે આ છટણી ભારતની ટેક કંપનીઓ સુધી પણ પહોંચી ગઈ છે. ભારતની ટોચની IT કંપનીઓમાંની એક વિપ્રોએ પણ છટણીની જાહેરાત કરી છે.
વિપ્રોએ કરાવ્યો ઈન્ટરનલ ટેસ્ટ
અહેવાલો અનુસાર વિપ્રોએ નબળા પ્રદર્શનને કારણે કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે અને સેંકડો નવા કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવી દીધી છે. કંપનીના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તાજેતરમાં કંપનીએ ઇન્ટરનલ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં સૌથી ઓછા સ્કોર કરનારા કર્મચારીઓને નોકરી છોડવા માટે કહેવામાં આવ્યું હતું. કંપની 800 કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી હતી, પરંતુ છટણી કરાયેલા કર્મચારીઓની સંખ્યા ઓછી છે. કંપનીએ જણાવ્યું હતું કે, અમે 452 ફ્રેશર્સને કંપનીમાંથી હાંકી કાઢવા પડ્યા હતા કારણ કે તેઓ તાલીમ પછી પણ આકારણીમાં વારંવાર ખરાબ પ્રદર્શન કરતા હતા.
કર્મચારીઓને વિપ્રો મેઇલ
એવું કહેવામાં આવી રહ્યું છે કે વિપ્રોએ અસરગ્રસ્ત કર્મચારીઓને સમાપ્તિ પત્ર મોકલ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે કર્મચારીઓ રૂ. 75,000 ચૂકવવા માટે જવાબદાર છે. આ 75,000 રૂપિયા કંપનીએ તેની ટ્રેનિંગ પાછળ ખર્ચ્યા છે. જો કે, વિપ્રોએ તે જ મેલમાં આગળ લખ્યું કે કંપનીએ રકમ માફ કરી દીધી છે. નોકરીથી પ્રભાવિત થયેલા એક ફ્રેશરે કહ્યું હતું કે, મને જાન્યુઆરી 2022માં ઑફર લેટર મળ્યો હતો, પરંતુ મહિનાઓના વિલંબ પછી તેઓએ મને ઓનબોર્ડ કર્યો હતો અને હવે તેઓ મને ટેસ્ટના બહાને કાઢી મૂકે છે?
ટેક ઈન્ડસ્ટ્રીઝ માટે ખરાબ સમય
હાલ માત્ર વિપ્રો જ નહીં પરંતુ ટેક ઈન્ડસ્ટ્રીની મોટી કંપનીઓ પણ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. ગયા અઠવાડિયે જ બે ટોચની ટેક કંપનીઓ ગૂગલ અને માઇક્રોસોફ્ટે વિશ્વભરમાં 22000 કર્મચારીઓની છટણી કરી છે. માઈક્રોસોફ્ટ અને ગૂગલ પહેલા એમેઝોન, નેટફ્લિક્સ, સેલ્સફોર્સ અને અન્ય ઘણી ટેક કંપનીઓએ મેક્રો ઈકોનોમિક કંડીશનને ટાંકીને સેંકડો અને હજારો કર્મચારીઓની છટણી કરી છે.