Wipro Hiring Announcements: દેશની ચોથી સૌથી મોટી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) કંપની વિપ્રો આગામી નાણાકીય વર્ષ 2025-26માં 10,000-12,000 વિદ્યાર્થીઓની ભરતી કરવાની અપેક્ષા રાખે છે. વિપ્રોએ શુક્રવારે તેના ડિસેમ્બર ક્વાર્ટરના આંકડા જાહેર કર્યા બાદ આ જાહેરાત કરી છે. કંપનીએ અમેરિકામાં H-1B વિઝા વ્યવસ્થામાં થનારા બદલાવ અંગેની કોઈપણ ચિંતાઓને ઓછી કરવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે તેમના કર્મચારીઓનો મહત્વપૂર્ણ હિસ્સો અમેરિકામાં સ્થાનિક છે.


વિપ્રો કરશે મોટી સંખ્યામાં ભરતી 


વિપ્રોના મુખ્ય હ્યુમન રિસોર્સ ઓફિસર સૌરભ ગોવિલે કંપનીના ત્રિમાસિક આંકડાઓની જાહેરાત કરતા કહ્યું,  “અમે મોટી સંખ્યામાં લોકોની નિયુક્તિ કરી રહ્યા છીએ...જેઓ યુએસમાં સ્થાનિક છે અને આજે યુએસમાં અમારા કર્મચારીઓનો નોંધપાત્ર હિસ્સો સ્થાનિક છે. "અમારી પાસે H-1B વિઝાનો સારો ભંડાર છે, તેથી જ્યારે પણ જરૂરિયાત ઊભી થાય ત્યારે અમે લોકોને સ્થળાંતર કરી શકીએ છીએ... જો માંગ વધે છે, તો આપૂર્તિ અમારા માટે અડચણ નહીં બને."


દર ક્વાર્ટરમાં 2500-3000 ફ્રેશર્સ થશે કંપનીમાં સામેલ


સૌરભ ગોવિલે કહ્યું કે કંપનીએ તેની તમામ પડતર પ્રસ્તાવોને સ્વીકારી લીધા છે. કંપની દર ક્વાર્ટરમાં 2,500-3,000 ‘ફ્રેશર્સ’ને સામેલ કરવાનું ચાલુ રાખશે. આનો અર્થ એ છે કે દર નાણાકીય વર્ષમાં 10,000-12,000 'ફ્રેશર્સ' સામેલ કરવામાં આવશે. કંપની આવતા વર્ષે દેશના વિવિધ કેમ્પસમાંથી 10-12 હજાર ફ્રેશર્સને હાયર કરશે.


વિપ્રોના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો


વિપ્રોના કર્મચારીઓની સંખ્યામાં ચાલુ નાણાકીય વર્ષ (2024-25)ના ત્રીજા ક્વાર્ટરમાં  1,157નો ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2024-25ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કર્મચારીઓની સંખ્યા 2,32,732 હતી, જ્યારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે 2,33,889 અને નાણાકીય વર્ષ 2023-24ના ડિસેમ્બર ક્વાર્ટરમાં 2,39,655 હતી. 


કેવા રહ્યા કંપનીના ત્રિમાસિક પરિણામો ?


ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં વિપ્રોનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 24.4 ટકા વધીને લગભગ રૂ. 3,354 કરોડ રહ્યો છે.  વિપ્રોએ શુક્રવારે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન કંપનીની ઓપરેટિંગ રેવેન્યૂ 0.5 ટકા વધીને લગભગ 22,319 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કંપનીની માહિતી અનુસાર, વિપ્રોને આગામી માર્ચ ક્વાર્ટરમાં IT સેવાઓના બિઝનેસમાંથી 260.2 કરોડ ડૉલરથી 265.5 કરોડ ડૉલર વચ્ચે આવક થવાની ધારણા છે. વિપ્રોએ શેર દીઠ રૂ. 6ના  ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.


FD પર આ બેંકો શાનદાર રિટર્ન આપી રહી છે, ઝડપથી ચેક કરો ક્યાં કેટલું મળી રહ્યું છે વ્યાજ