WPI Data: જૂન મહિનાના જથ્થાબંધ ફૂગાવાનો દરના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. તેમાં જથ્થાબંધ ફૂગાવો ત્રણ ટકાનો પાર થઇ ગયો છે. જૂનમાં જથ્થાબંધ ફુગાવો 3.36 ટકા પર આવી ગયો છે. જે અગાઉના મહિનામાં એટલે કે મે 2024માં તે 2.61 ટકા હતો.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, "જથ્થાબંધ મોંઘવારી સૂચકાંક (WPI)ના આધારે જૂનમાં મોંઘવારી દર 3.36 ટકા છે. આ મહિને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ, ખાદ્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન, ક્રૂડ ઓઇલ, પેટ્રોલ , કુદરતી ગેસ અને અન્ય વસ્તુઓની કિંમતોમાં વધારાને કારણે મોંઘવારી દરમાં પણ વધારો નોંધવામાં આવ્યો છે."
એટલું જ નહીં જૂનમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI)માં પણ વધારો નોંધવામાં આવ્યો છે અને તે ચાર મહિનામાં 5.08 ટકાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. એવું માનવામાં આવે છે કે ખાદ્ય ચીજવસ્તુઓની વધતી કિંમતોએ સીપીઆઈ પર પણ અસર કરી છે.
ખાદ્ય ફુગાવાના દરમાં વધારો જોવા મળ્યો છે
ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં મુખ્યત્વે વધારો થયો છે, જેની અસર જથ્થાબંધ ફુગાવાના દર પર પડી છે. ખાદ્ય ફુગાવાનો દર જૂનમાં વધીને 8.68 ટકા થયો છે જે મે મહિનામાં 7.40 ટકા હતો.
પ્રાઇમરી આર્ટિકલ્સનો મોંઘવારી દર
પ્રાઇમરી આર્ટિકલ્સનો મોંઘવારી દર જૂનમાં 8.80 ટકાના દરે વધ્યો છે જ્યારે અગાઉના મહિનામાં તે 7.20 ટકા હતો.
ફ્યૂલ એન્ડ પાવર સેગમેન્ટનો WPI
જો કે, ઇંધણ અને પાવર સેગમેન્ટના જથ્થાબંધ ફુગાવાના દરમાં થોડો ઘટાડો થયો છે અને તે જૂનમાં 1.35 ટકા હતો. મે 2024માં આ આંકડો WPIના 1.03 ટકા હતો. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સના જથ્થાબંધ ફુગાવાના દરમાં પણ વધારો થયો છે. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો ફુગાવો પણ વધ્યો છે અને જૂનમાં તે 1.43 ટકા હતો. મે 2024માં આ આંકડો 0.78 ટકા હતો.