અમદાવાદ: RBI દ્વારા યસ બેન્ક પર પ્રતિબંધ મૂક્યા બાદ ખાતેદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. અડધી રાતથી ખાતેદારો એટીએમમાંથી પૈસા કાઢવા માટે મોડી રાતે લાઈનમાં ઉભા રહી ગયા હતા. ગુજરાત, મહારાષ્ટ્ર, અને રાજસ્થાન સહિત દેશના વિભિન્ન ભાગોમાં લોકો અડધી રાત્રે એટીએમની બહાર જોવા મળ્યા હતાં. જોકે ઘણી જગ્યાએ એટીએમ બંધ હતા જ્યારે ઘણી જગ્યાએ યસ બેન્કના એટીએમમાં કેશ નહોતી. આજે યસ બેન્કના શેરમાં 25 ટકાનો કડાકો જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આરબીઆઈએ બેન્કના બોર્ડ ઓફ ડાયરેકટર્સને ભંગ કરતા એડમિનિસ્ટ્રેટર એપોઈન્ટ કરી દીધા છે. આરબીઆઈએ આદેશ બાદ બેન્કના ગ્રાહકો 50,000 રૂપિયા જ ઉપાડી શકશે. આરબીઆઈના આ જાહેરાત બાદ યસ બેન્કના ગ્રાહોકમાં ફફડાટ જોવા મળ્યો હતો અને તેઓ એટીએમના ચક્કર લગાવી રહ્યા હતાં. એટીએમની બહાર હાજર લોકોએ કહ્યું હતું કે, અમને આની માહિતી આપવામાં આવી નહીં. પૈસા કાઢવા માંગતા હતા પરંતુ એટીએમમાં પૈસા જ નહોતાં. અમે મુશ્કેલીમાં છીએ હોળી આવી રહી છે.
ફાઈનાન્સ મિનિસ્ટ્રીના સૂત્રોએ પ્રમાણે, એસબીઆઈ યસ બેન્કને બેલઆઉટ કરવા તૈયાર છે. ત્યારબાદ આરબીઆઈ અને સરકારની તરફથી યસ બેન્કને લઈ આ નિર્ણય લેવાયો હતો. હવે યસ બેન્કનું નેતૃત્વ આવતાં મહિને એસબીઆઈ દ્વારા નિમણૂંક કરાયેલા પ્રશાંત કુમાર કરશે. તેઓ એસબીઆઈના પૂર્વ ચીફ ફાઈનાન્સ ઓફિસર રહી ચૂક્યા છે.
ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, યસ બેન્કના થાપણદારોના હિતોને સંપૂર્ણ સુરક્ષા અપાશે. ભયભીત થવાની કોઇ જરૂર નથી. નાણા મંત્રાલયના આદેશ પછી જારી કરેલા નિવેદનમાં આરબીઆઇએ જણાવ્યું હતું કે, બેન્કની પુનઃરચના અથવા તો વિલીનીકરણ માટે આગામી થોડા દિવસમાં યોજના ઘડી કઢાશે. 30 દિવસના આર્થિક પ્રતિબંધનો ગાળો પૂરો થાય તે પહેલાં યોજનાને અંતિમ સ્વરૂપ અપાશે.
આગામી એક મહિના સુધી થાપણદાર બેન્કમાંથી રૂપિયા 50,000નો ઉપાડ જ કરી શકશે. ગ્રાહક બેન્કમાં ગમે તેટલાં ખાતાં ધરાવતો હશે પરંતુ તે રૂપિયા 50,000ની મર્યાદામાં જ ઉપાડ કરી શકશે. જો કોઇ થાપણદારના બેન્ક પાસે લેણા નાણા હશે તો સંબંધિત ખાતાઓમાં એડજસ્ટમેન્ટ કર્યા પછી જ તેને તે નાણાની ચુકવણી કરાશે.
Yes Bankના ગ્રાહકોમાં ફફડાટ, RBIની જાહેરાત બાદ ATMની બહાર જોવા મળી લાંબી લાઈનો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Mar 2020 09:39 AM (IST)
ગુજરાત, મહારાષ્ટ્ર, અને રાજસ્થાન સહિત દેશના વિભિન્ન ભાગોમાં લોકો અડધી રાત્રે એટીએમની બહાર જોવા મળ્યા હતાં. જોકે ઘણી જગ્યાએ એટીએમ બંધ હતા
- - - - - - - - - Advertisement - - - - - - - - -