મોટાભાગે ઓનલાઈન શોપિંગ કરતી વખતે તમારે તમારા વિસ્તારનો પિન કોડ દાખલ કરવો પડે છે. શું તમે જાણો છો કે માત્ર એક પિન કોડ વડે તમારો સામાન સાચા સરનામે કેવી રીતે પહોચી જાઈ છે?


Use Of PIN Code : જ્યારે પણ તમે  એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે પરથી કઈ પણ ઓર્ડર કરો છો, ત્યારે તમને નામ અને સરનામું તેમજ પિન કોડ પૂછવામાં આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે પિન કોડની જરૂર કેમ છે? આવું એટલા માટે થાય છે કારણ કે પિન કોડ વિના સ્થળને ચોક્કસ અને સરળતાથી ઓળખવું ખૂબ જ મુશ્કેલ છે. ઘણી જગ્યાઓના નામ એક સમાન હોઈ છે. આવી સ્થિતિમાં, પિન કોડ તેમના ચોક્કસ સરનામાં  શોધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચાલો આજે પીન કોડ વિશે વિગતવાર જાણીએ.


શું છે પિન કોડ (PIN Code)?
પિન કોડએ 6 આંકડાનો યુનિક નંબર છે. મોટેભાગે તેનો ઉપયોગ ભારતીય પોસ્ટ ઓફિસ શોધવા માટે થાય છે. પિન કોડનું પૂરું નામ પોસ્ટલ ઇન્ડેક્સ નંબર (Postal Index Number)છે. પીન કોડ સિસ્ટમને  15 ઓગસ્ટ 1972ના રોજ કેન્દ્રીય સંચાર મંત્રાલયના અધિક સચિવ શ્રી રામ ભીખાજી વેલણકર દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. દેશમાં બોલાતી વિવિધ ભાષાઓ અને એકસરખા નામને લીધે, સ્થાનના નામોમાં થતી મૂંઝવણને દૂર કરવા આ સિસ્ટમ ઉભી કરવામાં આવી હતી. ભારતમાં પહેલીવાર 1972માં પિન કોડ દાખલ કરવામાં આવ્યો હતો.


શું છે ઝિપ કોડ(Zip Code)?


પિન કોડની જેમ ઝિપ કોડ એ એક વિશિષ્ટ નંબર છે જે ચોક્કસ સ્થાનને ઓળખે છે. ઝિપ કોડની મદદથી પાર્સલ અથવા પોસ્ટનું ચોક્કસ સ્થાન ખૂબ જ સરળતાથી શોધી શકાય છે. ઝિપ કોડની શરૂઆત સૌપ્રથમ યુનાઇટેડ સ્ટેટ્સ પોસ્ટલ સર્વિસિસ દ્વારા વર્ષ 1963માં કરવામાં આવી હતી. Zip Code પાંચ અંકનો કોડ છે. તેનો પ્રથમ અંક રાષ્ટ્રીય પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. આગળના બે અંકો જિલ્લાની પોસ્ટ ઓફિસ દર્શાવે છે, જ્યારે છેલ્લા બે અંકો સ્થાનિક પોસ્ટ ઓફિસ દર્શાવે છે.


પિન કોડ શા માટે જરૂરી છે?


પિન કોડથી મોકલેલી વસ્તુ એ જ પોસ્ટ ઓફિસ સુધી પહોંચે છે, જેનો પિન કોડ આપવામાં આવ્યો હોઈ.
પિન કોડની મદદથી વસ્તુઓ સરળતાથી તે જ જગ્યાએ પહોંચી જાય છે.
પિન કોડના કારણે હવે સ્થળના નામની મૂંઝવણ સંપૂર્ણપણે ઓછી થઈ ગઈ છે.
પિન કોડ હોવાને કારણે ભાષાની કોઈ સમસ્યા નથી.
પોસ્ટમેનનું કામ પણ પિન કોડથી ખૂબ જ સરળ બની જાય છે.