ઓનલાઈન બ્રોકિંગ ફર્મ Zerodha ના સહ-સ્થાપક અને CEO નીતિન કામથે તેમની કંપનીના કર્મચારીઓ માટે એક નવી પહેલ શરૂ કરી છે. નીતિન કામથની નવી પહેલ સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. તેમણે તેમના કર્મચારીઓને ફિટનેસ માટે દરરોજના ગોલ્સ સેટ કરવાનું કહ્યું છે. તેમણે કહ્યું છે કે જે કર્મચારી પોતાનું ફિટનેસ લક્ષ્ય હાંસલ કરશે તેને એક મહિનાનો પગાર બોનસ તરીકે આપવામાં આવશે.






સતત બેસી રહેવાની અને ધૂમ્રપાન કરવાની ટેવ વધી રહી છે


નિતિન કામથે પોતાના કર્મચારીઓને ફિટનેસને લઈને એક ચેલેન્જ આપી છે. કામથ તેમના કર્મચારીઓને ફિટનેસ ટ્રેકર પર દૈનિક ધ્યેય નક્કી કરવા માટેની ચેલેન્જ આપી છે. કામથે એક LinkedIn પોસ્ટમાં કહ્યું છે કે આપણામાંથી મોટાભાગના લોકો ઘરેથી કામ પર છે. બેસવાની અને ધૂમ્રપાન કરવાની ટેવ સતત વધી રહી છે. એટલા માટે અમે અમારી ટીમને સક્રિય કરવા માટે કંઈક કરી રહ્યા છીએ. ફિટનેસ ટ્રેકર્સનો ઉપયોગ કરતા લોકોને જોવાનું રસપ્રદ રહેશે.


કામથના જણાવ્યા અનુસાર, કર્મચારીઓએ એક મહિનાનો બોનસ પગાર મેળવવા માટે તેમના દૈનિક ફિટનેસ લક્ષ્યોના 90 ટકા હાંસલ કરવા પડશે. આ સાથે આમાં 10 લાખ રૂપિયાનો લકી ડ્રો પણ રાખવામાં આવ્યો છે. કામથે પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે Zerodha ખાતે અમારો નવો પડકાર ફિટનેસ ટ્રેકર્સ પર દૈનિક લક્ષ્યો નક્કી કરવાનો છે. જે કર્મચારી એક વર્ષ માટે તેના દૈનિક લક્ષ્યના 90 ટકા પણ હાંસલ કરવામાં સફળ થાય છે, તેને એક મહિનાનો પગાર બોનસ તરીકે આપવામાં આવશે.


તેમણે કહ્યું કે આ એક વૈકલ્પિક કાર્યક્રમ છે અને દરરોજ ઓછામાં ઓછી 350 એક્ટિવ કેલેરી કોઈપણ રીત બર્ન થવી જોઇએ.  કામથે ફિટનેસ એપનો સ્ક્રીનશોટ શેર કરતી વખતે પોતાના અંગત અનુભવો પણ શેર કર્યા.


'ખોરાક પર ધ્યાન આપો'


તેમણે કહ્યું કે કોરોના દરમિયાન મારું વજન વધી ગયું હતું. મેં મારા માટે ફિટનેસ ગોલ નક્કી કર્યા અને વજન ઘટાડ્યું. તેમણે કહ્યું કે કર્મચારીઓએ પણ હેલ્ધી ફૂડ વિશે જાગૃત રહેવું જોઈએ. જોકે, આ પહેલીવાર નથી જ્યારે Zerodhaના કો-ફાઉન્ડર અને સીઈઓ કામથે તેમની કંપનીના કર્મચારીઓને ફિટનેસ ચેલેન્જ આપી હોય. Zerodhaની સ્થાપના કામથ બંધુઓએ વર્ષ 2010માં કરી હતી. Zerodha એક નાણાકીય સેવા કંપની છે. તે શેરબજારમાં શેરોની ખરીદી અને વેચાણ કરે છે અને મ્યુચ્યુઅલ ફંડમાં ટ્રાજેક્શન માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.