નવી દિલ્હીઃ ચીનના લશ્કરે ભારતના વીસ જવાનોની હત્યા કરી તેના વિરોધમાં દેશના વેપારીઓના સૌથી મોટા સંગઠન સંગઠન કન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ ચીનની ચીજોનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું હતું. આ સંગઠને આ વર્ષે ચીનની રાખડીઓનો બહિષ્કાર કરીને 'હિંદુસ્તાની રાખડી' અભિયાન ચલાવ્યું હતું અને તેના કારણે ચીનને આશરે 4000 કરોડ રૂપિયાનો ફટકો વાગી ગયો છે.


CAITએ કરેલા દાવા પ્રમાણે. ભારતમાં દર વર્ષે રક્ષાબંધનના અવસર પર આશરે 6000 કરોડ રૂપિયાની રાખડીઓનો વેપાર થાય છે. અત્યાર સુધી તેમાં માત્ર ચીનનું યોગદાન જ આશરે 4,000 કરોડ રૂપિયાનું રહેતું હતું. આ વખતે ચીનની રાખડીઓનો બહિષ્કાર કરાયો હતો. આ સંગઠન દ્વારા હિંદુસ્તાની રાખડી અભિયાન ચલાવવામાં આવ્યું છે જેના કારણે ચીને આશરે 4,000 કરોડ રૂપિયાના વેપારથી હાથ ધોવા પડ્યા છે. દેશના આશરે 40,000 જેટલા ટ્રેડ એસોસિએશન આ સંગઠન સાથે જોડાયેલા છે અને દેશભરમાં તેના 7 કરોડ જેટલા સભયો હોવાનો તેનો દાવો છે. સંગઠન દ્વારા આપવામાં આવેલા એક નિવેદન પ્રમાણે, આ રક્ષાબંધન વખતે ભારત સંપૂર્ણપણે હિંદુસ્તાની રાખડીનું અભિયાન ચલાવાયું છે અને તેના કારણે ચીનને આશરે 4,000 કરોડ રૂપિયાનો ફટકો વાગ્યો છે.

સંગઠનના દિલ્હી- એનસીઆરના સંયોજક સુશીલ કુમાર જૈને જણાવ્યું કે, ' ફક્ત તૈયાર રાખડીઓ જ નહીં, અગાઉ ચીનથી રાખડી બનાવવાનો સામાન જેમ કે ફોમ, પેપર ફોઈલ, રાખડીનો દોરો, પર્લ, ડ્રોપ, ડેકોરેટિવ આઈટેમ વગેરેની પણ આયાત થતી હતી. પરંતુ ચીની વસ્તુઓના બહિષ્કાર અભિયાનના કારણે આ વર્ષે રાખડી માટેનો ચીની સામાન આયાત ન કરાચાં ચીનને આશરે 4,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાની ખાતરી છે.'