અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં અમદાવાદીઓએ સોશિયલ ડિસ્ટેંસિંગ નેવે મૂકીને કરેલી બજારમાં ભીડના ગંભીર પરિણામ હવે જોવા મળી રહ્યા છે. રાજ્યમાં આજે છેલ્લા 24 કલાક દરમિયાન થયેલા કુલ મોતના 65 ટકા માત્ર અમદાવાદમાં નોંધાતા શહેરીજનોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.


રાજ્ય સરકાર દ્વારા આજે કોરોનાના જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે,  આજે રાજ્યમાં કુલ 20 લોકોના કોરોનાથી મોત થયા હતા, જે પૈકી 13 મોત માત્ર અમદાવાદમાં જ થયા હતા. અમદાવાદમાં આજે કોરોનાના કુલ 291 કેસ નોંધાયા હતા અને 321 લોકો ડિસ્ચાર્જ થયા હતા.

રાજ્યમાં કોવિડ-19ના નવા 1502 નવા કેસ નોંધાયા હતા.  રાજ્યમાં આજે વધુ 20 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3989 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,970 એક્ટિવ કેસ છે, જ્યારે 1,90,821 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 83 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,887 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,09,780 પર પહોંચી છે.

રાજ્યમાં આજે કુલ 1401 દર્દી સાજા થયા હતા અને 65,876 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 78,25,615  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.96 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,22,198 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,22,015 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 183 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.