Covid Test Mandatory For Travellers From China: ચીનથી બ્રિટનમાં આવતા મુસાફરોએ ફરજીયાત કરાવવો પડશે કોરોના ટેસ્ટ. જો કોઈ પણ કોરોના સંક્રમિત જણાય તો તેને ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે. આ સાથે જ નવી કોવિડ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.
COVID-19 in China: ચીન પહેલા પણ કોરોનાનું મુખ્ય કેન્દ્ર રહી ગયેલ છે, ત્યારે ફરી ત્યાં કોરોનાના વધતા કેસો દુનિયાને ચિંતામાં નાખી રહ્યા છે. મોટાભાગના દેશોમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો હતો, પરંતુ હવે ચીનમાં જે સ્થિતિ જોવા મળી રહી છે તેના કારણે અન્ય દેશો ખૂબ જ સાવચેત થઇ ગયા છે. ભારત, અમેરિકા અને જાપાન બાદ હવે બ્રિટન (United kingdom) પણ ચીનથી આવતા મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરીને તપાસ કરશે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ચીનથી આવનારા મુસાફરોએ બ્રિટનમાં તેમના કોરોના ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. આ સાથે જ, બ્રિટિશ સરકાર ચીનથી આવતા મુસાફરો માટે ટૂંક સમયમાં એક માર્ગદર્શિકા જાહેર કરવા જઈ રહી છે, જેનું મુસાફરોએ પાલન કરવાનું રહેશે. હાલમાં અમેરિકાએ પણ કોરોના કેસો વધવાને કારણે ચીનથી આવનાર મુસાફરો માટે નવા નિયમો લાગુ કરવા પર વિચાર કરી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ, ચીનમાં કોરોનાના કેસમાં વધારો અને સંક્રમિત લોકોની સંખ્યામાં પારદર્શિતાનો અભાવ આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતા વધારી રહ્યો છે.
ચીનથી આવતા મુસાફરો માટે, જાપાનએ કર્યો કોરોના ટેસ્ટ ફરજિયાત
અગાઉ, 30 ડિસેમ્બરથી, જાપાને ચીનથી આવતા મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો હતો. ક્યોદો ન્યૂઝ એજન્સી તરફથી મળેલ માહિતી મુજબ, આ નિર્ણય મેઇનલેન્ડ ચીનના મુસાફરો અને છેલ્લા સાત દિવસમાં ત્યાં મુસાફરી કરનારા મુસાફરો પર લાગુ થશે. જાપાન પહોંચતા જ તેણે કોરોના ટેસ્ટ કરાવવો પડશે. કોવિડ પોઝીટીવ જોવા મળતા લોકોને સાત દિવસ માટે ક્વોરન્ટીન કરવામાં આવશે. જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ મંગળવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી.
ભારતમાં પણ ચીનના પ્રવાસીઓ માટે કડક માર્ગદર્શિકા
ભારતમાં પણ ચીન સહિત 6 દેશોમાંથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. ચીન ઉપરાંત આ યાદીમાં સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઈલેન્ડ અને જાપાન જેવા દેશો પણ સામેલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ વિશે જણાવ્યું કે, ભારત સરકારે આ દેશોમાં પ્રવાસ કરતા લોકો માટે કોવિડની માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમણે કહ્યું કે જો આ કોઈપણ દેશોના પ્રવાસીઓમાં કોરોનાના લક્ષણો જોવા મળે છે અથવા તેઓ કોરોના પોઝિટિવ આવશે, તો તેમને ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે.