Mumbai News: મુંબઈના મીરા રોડ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક 56 વર્ષીય વ્યક્તિએ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી તેની રૂમ પાર્ટનરની નિર્દયતાથી હત્યા કરી અને તેના શરીરના ટુકડા કરી નાખ્યા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપીએ મૃતદેહના કટરથી ટુકડા કર્યા હતા અને લાશના ટુકડાને કુકરમાં નાખીને બાફીને પછી તેને મિક્સરમાં પીસી લીધા હતા. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને ઘરમાંથી હત્યામાં વપરાયેલી તમામ સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
લિવ-ઈન પાર્ટનરના કર્યા ટુકડા
આ ઘટના મીરા ભાયંદર ફ્લાયઓવર પાસે ગીતા નગર ફેઝ-7માં બની હતી. જ્યાં 56 વર્ષીય મનોજ સાને અને તેની રૂમ પાર્ટનર 32 વર્ષીય સરસ્વતી વૈદ્ય સાથે રહેતા હતા. આ કપલ છેલ્લા ત્રણ વર્ષથી અહીં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતું હતું. બુધવારે (7 જૂન) આ બિલ્ડિંગમાં રહેતા પાડોશીઓને ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી હતી ત્યારપછી તેમણે નયાનગર પોલીસ સ્ટેશનને તેની જાણ કરી હતી.
પોલીસે આરોપીની અટકાયત કરી હતી
નયાનગર પોલીસે જ્યારે ઘરની તપાસ કરી ત્યારે સમગ્ર ઘટના સામે આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી આરોપીની અટકાયત કરી છે. આ મામલે મોડી રાત સુધી નયાનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી ચાલી રહી હતી. આરોપીઓએ મૃતદેહનો નિકાલ કરવા માટે તેના ટુકડા કરી નાખ્યા હતા. મળતી માહિતી મુજબ આ ટુકડાઓ કટર મશીનથી કાપવામાં આવ્યા હતા. હાલ તો પોલીસે હત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
કૂકરમાં ઉકાળીને ખવડાવી દીધા શ્વાનને
સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી મનોજ સાનેને શંકા હતી કે મૃતક સરસ્વતી વૈદ્યનું બીજે ક્યાંક અફેર હતું અને તેથી જ છેલ્લા 3-4 દિવસથી બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. મૃતક સરસ્વતી વૈદ્યએ બે-ત્રણ દિવસ પહેલા ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. તેણીની આત્મહત્યા માટે પોલીસ તેને જવાબદાર ઠેરવશે તેવા ડરથી આરોપી મનોજે સરસ્વતીના મૃતદેહનો નિકાલ કરવાની યોજના બનાવી અને તે એટલું ખૌફનાક હતું કે તે માનવતા માટે ખૂબ જ શરમજનક હતું.
આવી રીતે લાશને ઠેકાણે પાડી
મળતી માહિતી મુજબ આરોપીઓએ મૃતદેહનો નિકાલ કરવા માટે સૌપ્રથમ કટર મશીન વડે ટુકડા કર્યા હતા. ત્યારબાદ તે ટુકડાઓને કૂકરમાં બાફી લીધા અને પછી મિક્સરમાં નાખીને પીસી લીધા. અને પછી સોસાયટીની પાછળની ગટરમાં થોડો ભાગ ફેંકી દીધો હતો. તેણે શરીરના અંગો ફેંકવા માટે તેની બાઇકનો ઉપયોગ કર્યો હતો.
પોલીસે ઘરમાંથી હત્યામાં વપરાયેલ ઘરવખરી સહિતની લાશનો નિકાલ કરવા માટે વપરાયેલી બાઇક કબજે કરી છે. હાલ પોલીસ આ મામલાની સત્તાવાર માહિતી આપવાનો ઈન્કાર કરી રહી છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ ન આવે અને આરોપીની પૂછપરછ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવશે નહીં.