Lok Sabha Election 2024: દેશમાં આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના સહયોગી પક્ષો વચ્ચે આસામમાં સીટ વહેંચણીને લઈને સમજૂતી થઈ છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ગુરુવારે આ માહિતી આપી હતી. આ કરાર અનુસાર, ભાજપ આસામની 11 બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે તેની સહયોગી આસોમ ગણ પરિષદ (એજીપી) બે બેઠકો પર ચૂંટણી લડશે અને યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (UPPL) એક બેઠક પર ચૂંટણી લડશે. AGP બારપેટા અને ધુબરીથી ચૂંટણી લડશે, જ્યારે UPPL કોકરાઝારમાં તેના ઉમેદવાર ઉભા કરશે.
હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સહયોગી તમામ 14 મતવિસ્તારોમાં એકબીજાના ઉમેદવારોને સમર્થન આપશે. હિમંતા બિસ્વા શર્માએ બીજેપી સ્ટેટ યુનિટ હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું, “ગઈ કાલે, બીજેપીના રાજ્ય એકમના વડા ભાવેશ કલિતા અને મેં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે બેઠકની વહેંચણી અંગે વાત કરી હતી .
આસામમાં 14માંથી 11 સીટો જીતવાની આશા
તેમણે કહ્યું કે, UPPL એ કોકરાઝાર સીટ માટે વિનંતી કરી હતી, જેના માટે ભાજપે સંમતિ આપી છે. મુખ્ય મંત્રી હિમંતાએ વધુમાં જણાવ્યું હતું કે, “રાજ્યભરમાં તેનો આધાર ધરાવતી AGP વધુ બેઠકો ઇચ્છતી હતી, પરંતુ મેં તેમને આ વખતે બે બેઠકો પરથી ચૂંટણી લડવાની અમારી કેન્દ્રીય નેતાગીરીની વિનંતી વિશે જાણ કરી અને તેઓએ અમારી વિનંતી સ્વીકારી. રાજ્યની કુલ 14 બેઠકોમાંથી અમને 11 બેઠકો જીતવાની આશા છે.
આસામમાંથી હાલની સ્થિતિની વાત કરીએ તો આઉટગોઇંગ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના નવ સાંસદો છે, જ્યારે AGP અને UPPL પાસે કોઈ પ્રતિનિધિત્વ નથી. કોંગ્રેસ પાસે ત્રણ સીટ છે, AIUDF પાસે એક સીટ છે, જ્યારે એક સીટ અપક્ષ ઉમેદવાર પાસે છે.