Uttarakhand Tunnel Rescue :ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા મજૂરો માટે આજે 14મો દિવસ છે. બચાવ અભિયાન દરમિયાન ટનલમાં ફસાયેલા 41 કામદારો સુરક્ષિત હોવાનો પહેલો વીડિયો મંગળવારે સામે આવ્યો હતો. જેણે તેમના પરિવારોને માત્ર આશા જ નહીં પરંતુ બચાવકર્મીઓનું મનોબળ પણ વધાર્યું.


જો કે આજે ટનલની અંદર ત્રણ મજૂરોની તબિયત લથડી છે., ડોક્ટરે પાઇપ વડે જરૂરી દવાઓ આપી, ત્રણ મજૂરોએ માથાનો દુખાવો, ઉલ્ટી અને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી. કેટલાક કામદારોએ જમવાનું બંધ કરી દીધું છે. સવારથી કામદારોએ  કંઇ ખાધું નથી, કામદારો તણાવ અનુભવી રહ્યાં  છે, કામદારો તેમના પરિવારના સભ્યો સાથે વાત કરતા ભાવુક બન્યા, તાત્કાલિક ત્રણ મનોચિકિત્સકોને સ્થળ પર મોકલવામાં આવ્યા જેઓ હવે કામદારો સાથે વાત કરશે.


તો બીજી તરફ હવે શ્રમિકના પરિજનોની ધીરજ પણ ખૂટી રહી છે. એક કામદારના સંબંધી કહ્યું કે,  હું અહીં નવ દિવસથી છું. દરરોજ અધિકારીઓ કહે છે કે, આજે તેઓ સુરંગની અંદર ફસાયેલા કામદારો બહાર કાઢી દેશે પરંતુ રોજની આશા પર પાણી ફરી વળે છે અને તેના કારણે હવે આશા નિરાશામાં બદલાઇ રહી છે.


સીએમ પુષ્કર ધામી ઉત્તરકાશી પહોંચ્યા


ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામી સિલ્ક્યારા ટનલમાં ચાલી રહેલા બચાવ અભિયાનની સમીક્ષા કરવા ઉત્તરકાશી પહોંચ્યા હતા.




 


શુક્રવારે પણ બચાવ કામગીરી ચાલુ રહી હતી. ટનલની બહાર, બચાવ કાર્યમાં લાગેલા તમામ નિષ્ણાતો અને એજન્સીઓ અને ટીમો સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. પરંતુ, ફરી એકવાર 47 મીટર પર ડ્રિલિંગ બંધ થઈ ગયું છે. વાસ્તવમાં, ટનલમાં નવમી પાઇપ ડ્રિલ કરવામાં આવી રહી છે. પરંતુ, કેટલીક સમસ્યાઓના કારણે ડ્રિલિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. NHIDCLના જનરલ મેનેજર કર્નલ દીપક પાટીલે જણાવ્યું હતું કે મશીનની સામે લોખંડની વસ્તુઓ વારંવાર આવવાને કારણે કામ પર અસર પડી રહી છે. અત્યાર સુધી 47 મીટર સુધી ડ્રિલિંગ કરવામાં આવ્યું છે. લગભગ દસ મીટર વધુ ડ્રિલિંગ બાકી છે.


 


હવે કાટમાળને મેન્યુઅલી હટાવવા માટે દિલ્હીથી ટીમ આવી


ખૂબ જ નજીક પહોંચ્યા બાદ બચાવ કામગીરી અટકી પડી છે. 48-49 મીટર સુધી ડ્રિલિંગ કર્યા પછી, ઓગર મશીનની સામે એક મોટું લોખંડનું માળખું આવી ગયું છે. ઓગર મશીનનો આગળનો ભાગ જે ટનલમાં ડ્રિલિંગ કરતી વખતે ફસાઈ ગયો હતો. હવે તેને કાપીને બહાર કાઢવામાં આવી રહ્યો છે. મશીનમાં વારંવાર બ્લોકેજ થયા બાદ હવે મેન્યુઅલી પાઇપની અંદર જઇને કાટમાળ હટાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. પાઇપની અંદરનો કાટમાળ મેન્યુઅલી હટાવવા માટે દિલ્હીથી એક ટીમ આવી છે. વર્ટિકલ ડ્રિલિંગને લગતા વિકલ્પ અંગે પણ ચર્ચા ચાલી રહી છે.