ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્ધારા બિન અનામત કેટેગરીમાં આવતા આર્થિક રીતે પછાત વર્ગને 10 ટકા અનામત (EBC) આપતા વહીવટી તંત્રએ અનામત અને રોસ્ટર સંબંધિત અનેક નિયમોમાં ફેરફાર કર્યા છે. સામાન્ય વહીવટી વિભાગે સ્પષ્ટતા કરતા પરીપત્રો જાહેર કર્યા હતા જેમાં હાલના રોસ્ટર પોઇન્ટના સ્થાને નવા રોસ્ટર પોઇન્ટ નક્કી કરવાની જાહેરાત કરાઇ હતી અને તે અંગેના આદેશો અલગથી જાહેર કરવામાં આવશે. આ સાથે ઇબીસીની જોગવાઇ ફક્ત  ભરતી માટે જ છે અને બઢતીમાં અનામતનો કોઇ લાભ મળશે નહીં તેની પણ સ્પષ્ટતા કરાઇ હતી.

ઇબીસીની મહિલા ઉમેદવારોને પણ તેમની અનામતમાં 33 ટકા અનામત મળશે. અરજી કરવાની તારીખ વીતી ગઇ ન હોય તેવી સરકારની ભરતીની જાહેરાતમાં પણ ઇબીસીનો અમલ કરવાનો રહેશે. તે ઉપરાંત જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ અને પંચાયત સેવા પસંદગી મંડળ સહિતના વિભાગોએ સીધી ભરતી માટેના ફોર્મની મુદતમાં એક મહિનાનો વધારો કરવાનો રહેશે.

ઇબીસીમાં વિકલાંગ કે એક્સ-સર્વિસ મેનને આપવામાં આવતી અનામત પણ ફાળવાશે. સામાન્ય વર્ગના ઉમેદવારોને જે ધોરણ લાગુ પાડવામાં આવેલું છે તે જ ધોરણે પસંદગી પામેલા હોય તેવા એસસી-એસટી અને ઓબીસી ઉમેદવારોને માત્ર તેમની અનામતની નહીં પરંતુ બિન અનામતની જગ્યાઓ સામે ગણતરીમાં લેવાના રહેશે. પરીક્ષા ફી ચૂકવવામાંથી મુક્તિ મેળવનાર અનામત વર્ગના ઉમેદવારોને બિન અનામત ખાલી જગ્યાની સ્પર્ધા માટે પ્રતિબંધિત કરી શકાશે નહીં. ઇબીસી માટે પણ એસઇબીસી ધોરણે સીધી ભરતીમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રવેશ આપવા નિયત કરેલી ફી અને ફોર્મ ફીમાં રાહત અપાશે.