નવી દિલ્હી: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ચાલી રહેલા ધાર્મિક સમાગમ સિંહસ્થ કુંભમાં પંડાલ પડવાથી 8 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 80થી વધુ શ્રંદ્ધાળુઓ ઘાયલ થયા છે. જો કે, હાલ સમગ્ર અહેવાલની સત્તાવાર સ્પષ્ટતા થવાની બાકી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ઉજ્જૈનમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સિંહસ્થ કુંભમાં વિધ્ન આવ્યું છે. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે, વિજળી પડવાથી 8 લોકોના મોત થયા છે. આ ઘટનામાં મરનાર લોકોની સંખ્યા વધી શકે છે. પરંતુ હાલ ઘટના સ્થળે રાહત કામગીરી ચાલી રહી છે.
આજે સાંજે આંધી અને પવન સાથે જોરદાર વરસાદે સિંહસ્થ મેળાના ક્ષેત્રને વેર-વિખેર કરી નાંખ્યો હતો. મંગલનાથ જોનમાં ઘણા પંડાલ પડી ગયા હતા. કુંભ મેળામાં જોરદાર ફૂંકાયેલા પવને અડધા ડઝનથી વધુ પંડાલોને પાડી દીધા હતા. ભારે વરસાદના કારણે શહેરમાં ખાસ કરીને મેળા ક્ષેત્રમાં અફરા-તફડીનો માહોલ બન્યો હતો. વરસાદના કારણે પંચકોસી યાત્રીઓના રાત્રી વિશ્રામની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઉજ્જૈનના કલેક્ટર કવિંદ્ર કિયાવતના મતે, શહેરમાં હવે પરિસ્થિતિ પર કાબૂ મેળવી દીધો છે. તેમના મતે એક વ્યકિતનું મોત થયું છે.