ED Summons Arvind Kejriwal: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી લિકર પોલિસી કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલને નવમી વખત સમન્સ પાઠવ્યું છે. આમ આદમી પાર્ટી (AAP) એ કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકાર લોકસભા ચૂંટણી પહેલા કેજરીવાલની ધરપકડ કરવા માંગે છે, તેથી ED દ્વારા વારંવાર સમન્સ મોકલવામાં આવી રહ્યા છે. પાર્ટીએ કહ્યું કે, ભાજપ સરકાર કાયદાકીય પ્રક્રિયાનું સન્માન કરતી નથી.


દિલ્હીના શિક્ષણ પ્રધાન અને AAP નેતા આતિશી માર્લેનાએ રવિવારે (17 માર્ચ) એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે EDએ કેજરીવાલને બે સમન્સ મોકલ્યા છે. એક સમન્સ દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગમાં મોકલવામાં આવ્યું છે, જ્યારે અન્ય સમન્સ દિલ્હી જલ બોર્ડ કૌભાંડ સાથે સંબંધિત છે. આતિશીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ શનિવારે EDની બે ફરિયાદો અંગે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી માટે હાજર થયા હતા. EDએ સમન્સ પર હાજર ન થવા બદલ કોર્ટમાં ફરિયાદ કરી હતી.





કેજરીવાલે કોર્ટમાં હાજર થઈને ભાજપને આપ્યો જવાબ


આતિશીએ કહ્યું કે કોર્ટમાં હાજરી આપીને સીએમ કેજરીવાલે ભાજપ અને તેના નેતાઓને જવાબ આપ્યો છે, જેઓ કહી રહ્યા હતા કે, તેઓ કોર્ટથી ભાગી રહ્યા છે. બીજેપી નેતાઓએ કહ્યું હતું કે, દિલ્હીના સીએમ ઇડીથી ભાગી રહ્યા છે. કોર્ટમાં હાજર થઈને તેમણે ભાજપને ચૂપ કરી દીધું છે. કોર્ટે પણ કેજરીવાલને જામીન આપીને ભાજપને ચૂપ કરી દીધા છે. સુનાવણી બાદ રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને ED દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોના કેસમાં જામીન આપ્યા હતા.


EDના સમન્સ પર કોર્ટ નિર્ણય કરશે


AAP નેતાએ કહ્યું કે કાયદાકીય પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવે આ કેસ પર ચર્ચા થશે. કોર્ટ તપાસ કરશે કે EDના સમન્સ કાયદેસર છે કે ગેરકાયદે. શું સમન્સ પર કેજરીવાલને તપાસ એજન્સી પાસે જવું પડશે? તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ કાયદાકીય પ્રક્રિયાનું સન્માન કરતું નથી. તેઓ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થઈને નિર્ણય આવે તેની રાહ જોઈ રહ્યા નથી. ભાજપને ન્યાય અને તપાસ સાથે કોઈ લેવાદેવા નથી.


ભાજપનો ઉદ્દેશ્ય કેજરીવાલને જેલમાં ધકેલી દેવાનો છે


આતિશીએ આરોપ લગાવ્યો કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર માત્ર એક જ બાબતનું ધ્યાન રાખે છે - ચૂંટણી પહેલા કેજરીવાલને જેલમાં ધકેલી દેવા અને તેમને પ્રચાર કરતા રોકવા. ભાજપ સરકાર અને ED-CBIનો આ એક જ ઉદ્દેશ્ય છે. તેમણે કહ્યું કે, કોર્ટની પ્રક્રિયા પૂરી થતાં જ EDએ સાંજે ફરીથી સમન્સ મોકલ્યા. તેમને લાગ્યું કે કેજરીવાલને આપવામાં આવેલી જામીન તેમની ધરપકડનો હેતુ પૂરો કરી શકતી નથી.


વોટર બોર્ડને લગતા કેસમાં પણ સમન્સ મળ્યા છે


દિલ્હીના શિક્ષણ મંત્રીએ કહ્યું કે, EDએ દિલ્હી જલ બોર્ડ સાથે જોડાયેલા કેટલાક મામલામાં સમન્સ પણ મોકલ્યા છે. જેમાં કેજરીવાલને તપાસમાં સહકાર આપવાનું કહેવામાં આવ્યું છે. અમને ખબર નથી કે આ કેસ શું છે અને તેમાં શું તપાસ ચાલી રહી છે. આમાં શું કૌભાંડ ચાલે છે? EDએ કઈ બાબત પર કેસ નોંધ્યો છે? 100 ટકા નકલી કેસમાં પણ EDએ સમન્સ મોકલ્યા છે.


ED-CBI સરકારના ગુંડાઓ છે: આતિશી


આતિશીએ કહ્યું કે, કેવી ગુંડાગર્દી ચાલે છે. આજે CBI અને ED ગુંડા બની ગયા છે. જે પણ પીએમ મોદીનો વિરોધ કરે છે. તેની પાછળ ED-CBI જાય છે. સરકારના ગુંડાઓએ વિપક્ષી નેતાઓને નિશાન બનાવ્યા છે. તેમણે કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડ કેસ સામે આવ્યા બાદ એ વાત સામે આવી કે ઈડી, સીબીઆઈ અને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ખંડણીનું કામ કરતા હતા. તેમના દ્વારા ભાજપ માટે પૈસા માંગવામાં આવ્યા હતા.