Wrestler Protest: ભારતીય કિસાન યુનિયનના નેતાઓએ કુસ્તીબાજોના સમર્થનમાં 9 જૂને જંતર-મંતર ખાતે આયોજિત થનારો કાર્યક્રમ રદ કર્યો છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતના જણાવ્યા અનુસાર સરકાર અને ગૃહમંત્રી સાથે તેમની વાતચીત ચાલી રહી છે. તેમની વિનંતી પર અમે 9મી જૂને જંતર-મંતર ખાતે યોજાનાર વિરોધને મોકૂફ રાખ્યો છે. આગામી દિવસોમાં તેઓ જે તારીખો આપશે તેમાં અમે ચોક્કસપણે કુસ્તીબાજોને સમર્થન આપીશું.






9 જૂને જંતર-મંતર પર આંદોલન નહીં કરે ખેડૂતો


સોમવારે મીડિયા અહેવાલો અનુસાર એવું કહેવામાં આવ્યું હતું કે કુસ્તીબાજો (બજરંગ પુનિયા, સાક્ષી મલિક) દેશના ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા, જોકે તેમની વચ્ચે શું વાતચીત થઈ હતી તે જાણી શકાયું નથી. આ મીટિંગ પછી કુસ્તીબાજોએ ખેડૂતોને વિનંતી કરી અને કહ્યું કે હવે કોઈ આંદોલન ન કરવું જોઈએ, ત્યારબાદ રાકેશ ટિકૈતનું આ નિવેદન સામે આવ્યું છે.


ખાપ પંચાયતમાં 9મી જૂનનું આંદોલન નક્કી કરવામાં આવ્યું હતું


હરિયાણાના કુરુક્ષેત્રમાં શુક્રવારે યોજાયેલી મહાપંચાયતમાં ખાપ નેતાઓએ ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહ શરણની ધરપકડની માંગ કરી હતી અને સરકારને તેના પર કાર્યવાહી કરવા માટે 9 જૂન સુધીનો સમય આપ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે જો માંગ પૂરી નહીં થાય તો ખેડૂતો વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સાથે 9 જૂને જંતર-મંતર જશે. આ પહેલા ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ખેડૂત સંગઠનોએ ખાપ મહાપંચાયતનું પણ આયોજન કર્યું હતું.






રાકેશ ટિકૈતે કહ્યું- જ્યારે કુસ્તીબાજ કહેશે ત્યારે...


આ પછી ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ રવિવારે કહ્યું હતું કે કુસ્તીબાજો જલ્દી જ પોતાની મહાપંચાયત યોજશે. કુસ્તીબાજોના સમર્થનમાં હરિયાણાના સોનેપત જિલ્લાના મુંડલાનામાં સર્વ સમાજ સમર્થન પંચાયતને સંબોધતા પૂનિયાએ વક્તાઓને કોઈ નિર્ણય જાહેર ન કરવા વિનંતી કરી અને કહ્યું કે કુસ્તીબાજો આગામી 3-4 દિવસમાં મહાપંચાયત બોલાવશે. ટિકૈત સિવાય ખેડૂત નેતા ગુરુનામ સિંહ ચધુનીએ કહ્યું કે, અમારા ખેલાડીઓ જે પણ નિર્ણય લેશે અમે તેનું પાલન કરીશું.