ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર આજે યોજવામાં આવ્યું હતું. ગૃહમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 131 સામૂહિક બળાત્કારની ઘટનાઓ બની છે જેમાં અલગ અલગ ઘટનાઓમાં 500 આરોપીઓ પકડાયા છે જ્યારે 18થી વધુ ગુનેગારો પોલીસના હાથમાં આવ્યા નથી અને હાલમાં ફરાર છે.


મળતી જાણકારી અનુસાર, ગૃહની કાર્યવાહી દરમિયાન ખંભાળિયા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે સવાલ કર્યો હતો કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં જિલ્લા વાર કેટલી ગેંગરેપની ઘટનાઓ બની છે. સાથે માડમે સામૂહિક બળાત્કારની ઘટનાઓમાં કેટલા આરોપીઓ પકડવામાં આવ્યા છેઅને હજુ કેટલા આરોપીઓ પોલીસના હાથમાં આવ્યા નથી તેની પણ માહિતી માંગી હતી.

માડમના સવાલનો લેખિતમાં જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓ માં કુલ ૧૩૧ સામૂહિક બળાત્કારની ઘટનાઓ નોંધાઇ છે. આ ઘટનાઓમાં પોલીસે 500 આરોપીઓને ઝડપ્યા છે જ્યારે હજુ ૧૮ આરોપીઓ પોલીસ પક્કડથી દૂર છે. છેલ્લા પાંચ વર્ષમાં ગેંગરેપની સૌથી વધુ 26 ઘટનાઓ સુરત ગ્રામ્ય વિસ્તારમાં બની છે. જ્યારે બીજા નંબર પર અમદાવાદ શહેરમાં જ્યાં 17 ગેંગરેપની ઘટનાઓ બની છે. ઉપરાંત ત્રીજા ક્રમે ભાવનગર શહેર જિલ્લામાં 11 બનાવો બન્યા છે. તો  બીજી તરફ સુરત શહેરમાં 8 સામૂહિક બળાત્કારની ઘટનાઓ બની છે. સૌથી વધુ 85 આરોપીઓ ભાવનગર શહેર જિલ્લામાંથી ઝડપ્યા છે. જયારે 73 આરોપીઓ અમદાવાદ શહેર જિલ્લામાં બનેલી સામુહિક બળાત્કારની ઘટનાઓ મામલે પકડ્યા હતા.