અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ આજે સાંજે ગુજરાત આવશે અને 11 જાન્યુઆરીએ ગાંધીનગરમાં અલગ-અલગ કાર્યક્રમમાં હાજરી આપશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 10 જાન્યુઆરી એટલે આજે રાતે અમદાવાદ આવશે. તેઓ 11 જાન્યુઆરીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં સવારે 10.30 વાગ્યે વિશ્વાસ પ્રોજેક્ટને લોન્ચ કરશે. આ ઉપરાંત તેઓ કમાન્ડિંગ ઈન કંટ્રોલ રૂમની મુલાકાત લઈ ખુલ્લો મુકશે. તેઓ ગાંધીનગર રેલવે સ્ટેશનની મુલાકાત લેશે તેમ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, જીટીયુના પદવીદાન સમારોહમાં તેઓ ઉપસ્થતિ રહી દીક્ષાંત પ્રવચન કરશે. જ્યારે તેઓ ગાંધીનગર રેલવે સ્ટેશન પર નવ નિર્મિત હોટેલનું નિરીક્ષણ કરશે. અમિત શાહ મહાત્મા ગાંધી મંદિર ખાતે ત્રણ કાર્યક્રમમાં હાજરી આપશે.
11મી જાન્યુઆરી બપોર બાદ અમિત શાહ સીએમ હાઉસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રદેશ બીજેપીના પ્રમુખ જીતુ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા સહીતના પ્રદેશ બીજેપીના ટોચના નેતાઓ સાથે બેઠક કરશે તેવું જાણવા મળ્યું છે.