Custodial Death: હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કસ્ટોડિયલ ડેથ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં સરકારે કહ્યું, ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 189 કસ્ટોડીયલ ડેથ થયા છે. વર્ષ 2021માં 21 પોલીસ કસ્ટોડીયલ  અને 79 જેલ કસ્ટોડીયલ ડેથ થયા. જ્યારે વર્ષ 2022માં 14 પોલીસ કસ્ટોડીયલ અને 75 જેલ કસ્ટોડીયલ ડેથ થયા. કસ્ટોડીયલ ડેથ થયા તેમના પરિવારોને સરકારે રૂ. 17 લાખનું વળતર ચૂકવ્યું હતું.


છેલ્લા 2 વર્ષ સરકારે કેટલી ફિલ્મોને આર્થિક સહાય ચૂકવી ?


હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતની ફિલ્મોને સહાય ચૂકવવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું, છેલ્લા 2 વર્ષમાં સરકારે 74 ગુજરાતી ફિલ્મોને આર્થિક સહાય ચૂકવી  છે. વર્ષ 2021માં 53 ફિલ્મોને રૂ. 15.76 કરોડની સહાય ચુકવવામાં આવી, જ્યારે વર્ષ 2022માં 21 ફિલ્મોને 6.75 કરોડની સહાય સરકારે ચૂકવી છે.


પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ રાજ્ય સરકારે એસટી નિગમ પાસેથી કેટલા રૂપિયા લેવાના બાકી છે તેવો પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં સરકારે 3770.97 કરોડની રકમ લેવાની બાકી હોવાનું જણાવ્યું હતું. ST નિગમે સરકારને લોનના 3525.16 કરોડ અને પેસેન્જર ટેક્સના 206.25 કરોડ  ચૂકવાના બાકી છે.

ગાંધીનગર હેલીપેડ ખાતે આવેલા કન્વેન્શન હોલનું સંચાલન અને જાળવણી કરતી કે એન્ડ ડી કોમ્યુનિકેશન લિમિટેડ પાસેથી છેલ્લા 2 વર્ષથી 19.41 કરોડની રોયલ્ટી વસૂલવાની બાકી હોવાની સરકારે વિધાનસભામાં કબૂલાત કરી. આ ઉપરાંત મહાત્મા મંદિર ખાતે રાજ્યના બે વિભાગો દ્વારા રૂ.79.21 લાખની ભાડાની રકમ સરકારે ચૂકવી નથી. કોંગ્રેસના શૈલેષ પરમાર અને ચિરાગ પટેલ દ્વારા પૂછાયેલા પ્રશ્નનના ઉત્તરમાં ઉદ્યોગમંત્રી બલવંત સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આવેલા કન્વેન્શન હોલનું સંતાલન અને જાળવણીનું કામ કે એન્ડ ડી કમ્યુનિકેશન લિમિટેડને રોયલ્ટીથી આપવામાં આવ્યું હતું.


ધોલેરાના નવાગામ ખાતે 1305 કરોડના ખર્ચે કાર્ગો એરપોર્ટ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેનું કામકાજ ચાર વર્ષમાં પૂર્ણ કરવાનું છે. પ્રોજેક્ટના 1305 કરોડની ખર્ચની સામે રાજ્ય સરકાર 574.27 લાખનો ખર્ચ કરી ચુકી છે. કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, ધોલેરાતાલુકાના નવા ગામ ખાતે કાર્ગો એરપોટ બનાવવાની કામગીરીનો પ્રાથમિક અંદાજ રૂ. 2772 કરોડ હતો. તે બાદ આ પ્રોજક્ટનો સુધારેલો અંદાજ રૂ. 1305 કરોડ કરવામાં આવ્યો છે. હાલ પ્રારંભિક ટોપોગ્રાફી સર્વે અને લેવલિંગ કામગીરી પૂર્ણ થઈ છે. અત્યાર સુધીમાં 574.20 લાખનો ખર્ચ કરાયો છે.