Gujarat Assembly: હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતની ફિલ્મોને સહાય ચૂકવવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું, છેલ્લા 2 વર્ષમાં સરકારે 74 ગુજરાતી ફિલ્મોને આર્થિક સહાય ચૂકવી  છે. વર્ષ 2021માં 53 ફિલ્મોને રૂ. 15.76 કરોડની સહાય ચુકવવામાં આવી, જ્યારે વર્ષ 2022માં 21 ફિલ્મોને 6.75 કરોડની સહાય સરકારે ચૂકવી છે.


પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ રાજ્ય સરકારે એસટી નિગમ પાસેથી કેટલા રૂપિયા લેવાના બાકી છે તેવો પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં સરકારે 3770.97 કરોડની રકમ લેવાની બાકી હોવાનું જણાવ્યું હતું. ST નિગમે સરકારને લોનના 3525.16 કરોડ અને પેસેન્જર ટેક્સના 206.25 કરોડ  ચૂકવાના બાકી છે.


રાજ્યના બિનઅનામત વર્ગ આયોગનું લાખો રૂપિયાનું બજેટ વણવરાયેલું રહ્યું છે. અર્જુન મોઢવાડિયાના પ્રશ્નમાં સરકારે લેખિત જવાબ આપતાં જણાવ્યું, વર્ષે 2021 - 22માં રૂ. 81.90 લાખની ફાળવણી કરી હતી,
જેની સામે રૂ. 62.70 લાખનો ખર્ચે કરવામાં આવ્યો, જ્યારે રૂ. 19.20 લાખ વણવપરાયેલ રહ્યા. વર્ષ 2022 - 23માં રૂ. 74.19 લાખની ફાળવણી કરવામાં આવી હતી, જેની સામે રૂ. 45.61 લાખનો ખર્ચે કરાયો હતો. જ્યારે રૂ. 28.58 લાખ વણવપરાયેલા રહ્યા.


ગ્રાન્ટ ઇન એઇડના છાત્રાલય ગૃહપતિ - ગૃહમાતા પગારમાં વધારો


ગ્રાન્ટ ઇન એઇડના છાત્રાલય ગૃહપતિ - ગૃહમાતા પગારમાં વધારો કરવામાં આવ્યો છે. ધારાસભ્ય દિનેશ ઠાકોરના પ્રશ્નમાં સરકારે લેખિત જવાબમાં જણાવ્યું, 1 એપ્રિલ 2022થી પગાર વધારો કરવામાં આવ્યો છે. નોન એસએસસી ગૃહપતિ - ગૃહમાતાના પગારમાં રૂ. 3500, એસએસસી પાસ ગૃહપતિ - ગૃહમાતાના પગારમાં રૂ. 3500, ટ્રેઈની સ્નાતક ગૃહપતિના પગારમાં રૂ. 3500, મુખ્ય રસોયાના પગારમાં રૂ. 2500, મદદનીશ રસોયા અને ચોકીદારના પગારમાં રૂ. 2000નો વધારો કરવામાં આવ્યો છે.

ગાંધીનગર હેલીપેડ ખાતે આવેલા કન્વેન્શન હોલનું સંચાલન અને જાળવણી કરતી કે એન્ડ ડી કોમ્યુનિકેશન લિમિટેડ પાસેથી છેલ્લા 2 વર્ષથી 19.41 કરોડની રોયલ્ટી વસૂલવાની બાકી હોવાની સરકારે વિધાનસભામાં કબૂલાત કરી. આ ઉપરાંત મહાત્મા મંદિર ખાતે રાજ્યના બે વિભાગો દ્વારા રૂ.79.21 લાખની ભાડાની રકમ સરકારે ચૂકવી નથી. કોંગ્રેસના શૈલેષ પરમાર અને ચિરાગ પટેલ દ્વારા પૂછાયેલા પ્રશ્નનના ઉત્તરમાં ઉદ્યોગમંત્રી બલવંત સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આવેલા કન્વેન્શન હોલનું સંતાલન અને જાળવણીનું કામ કે એન્ડ ડી કમ્યુનિકેશન લિમિટેડને રોયલ્ટીથી આપવામાં આવ્યું હતું.


ધોલેરાના નવાગામ ખાતે 1305 કરોડના ખર્ચે કાર્ગો એરપોર્ટ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેનું કામકાજ ચાર વર્ષમાં પૂર્ણ કરવાનું છે. પ્રોજેક્ટના 1305 કરોડની ખર્ચની સામે રાજ્ય સરકાર 574.27 લાખનો ખર્ચ કરી ચુકી છે. કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, ધોલેરાતાલુકાના નવા ગામ ખાતે કાર્ગો એરપોટ બનાવવાની કામગીરીનો પ્રાથમિક અંદાજ રૂ. 2772 કરોડ હતો. તે બાદ આ પ્રોજક્ટનો સુધારેલો અંદાજ રૂ. 1305 કરોડ કરવામાં આવ્યો છે. હાલ પ્રારંભિક ટોપોગ્રાફી સર્વે અને લેવલિંગ કામગીરી પૂર્ણ થઈ છે. અત્યાર સુધીમાં 574.20 લાખનો ખર્ચ કરાયો છે.