ગાંધીનગરઃ ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પણ ખાબકી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લામાં પડ્યો હતો. જૂનાગઢના માળિયામાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ પછી કેશોમાં પણ 2 ઇંચ વરસાદ પડ્યો હતો.


માણાવદરમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે સોજિત્રા, જેસર, મેંદરડા અને આણંદના આંકલાવમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે વલસાડમાં સવારના 6થી 10 વાગ્યાના વરસાદની વાત કરીએ તો કપરાડામાં 02 એમ.એમ. , ધરમપુરમાં 01 એમ.એમ. અને વાપીમાં 01એમ.એમ. મળી કુલ કુલ 4 એમ. એમ. વરસાદ નોંધાયો છે. હાલ, ડાંગ અને વલસાડમાં પણ વરસાદ પડી રહ્યો છે.



વલસાડમાં વરસાદ નું કહી શકાય કે ઓફિશિયલ આગમન થઈ ચૂક્યું છે. લોકો રેનકોટ અને છત્રીમાં જોવા મળી રહ્યા છે. સંભવિત વાવાઝોડાની અસરને લઈને ડિપ્રેસનની અસર દેખાઈ રહી છે. વરસાદ શરૂ થતાં સવારથી જ લોકોની આવજા પર અસર જોવા મળી રહી છે, તો બીજી બાજુ તીથલ દરિયા કિનારે પવનની તીવ્રતા થોડી ઓછી છે, પણ ભરતીને લઈને ધીરે ધીરે દરિયો તટ તરફ આવી રહ્યો છે. વરસાદના આગમનને લઈને કેરીના પાકને નુકસાન તો વહેલો વરસાદ પડવાથી ડાંગરને પણ નુકસાન થઈ શકે છે.