ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ મુંબઈથી આવી રહેલા લોકો પણ મુશ્કેલી વધારી રહ્યા છે. કારણ કે, મુંબઈથી આવી રહેલા કેટલાય લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. ત્યારે મુંબઈથી વતન આવી રહેલા લોકોને કારણે કચ્છ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે.


ગઈ કાલે એક જ દિવસમાં કચ્છ જિલ્લામાં 21 કોરોનાના રિપોર્ટ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું છે. કચ્છમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 52 એ પહોંચ્યો છે. મુંબઇથી આવેલા લોકોના પગલે કચ્છમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મુંબઇથી આવતા મોટા ભાગ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે.



એક તરફ કચ્છમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, બીજી તરફ મુંબઈથી લોકો હજુ પણ મોટી સંખ્યામાં વતન પરત ફરી રહ્યા છે. આજે મુંબઇથી 1200 લોકો ટ્રેન મારફતે કચ્છ આવી પોહચ્યા છે. તમામ લોકોને ઈન્સ્ટિટ્યુશનલ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. તમામ લોકોને બસ મારફતે ઈન્સ્ટિટ્યુશનલ ક્વોરોન્ટાઈનના સ્થળે લઈ જવાયા છે.

મુંબઇથી આવતા લોકોના પગલે કચ્છના સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. અચાનક કચ્છમાં પોઝિટિવ કેસના આંકમાં ઉછાળો આવ્યો છે. સતત મુંબઇથી કચ્છ આવતા લોકો કોરોના રિપોર્ટ આવતા કચ્છ સ્થાનિકોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. નોંધનીય છે કે, ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કોરોનાના 395 કેસ નોંધાયા હતા. જ્યારે 25 લોકોના મોત થયા હતા.

અમદાવાદમાં સૌથી વધુ 262 કેસો નોંધાયા છે. આ પછી સુરતમાં 29, કચ્છમાં 21, વડોદરામાં 18 અને ગાંધીનગરમાં 10 કેસો નોંધાયા છે. આ સિવાય અન્ય જિલ્લોમાં 10થી ઓછા કેસો નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં ગઈ કાલે થયેલા 25 મોતમાંથી અમદાવાદમાં સૌથી વધુ 21 મોત થયા છે. આ સિવાય સુરતમાં 2, અરવલ્લીમાં 1 અને ગાંધીનગરમાં 1 વ્યક્તિનું મોત થયું છે.