ગાંધીનગરઃ ગુજરાતમાં લોકડાઉન-4 દરમિયાન અમદાવાદ સિવાય એસ.ટી. બસો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આવતી કાલથી તબક્કાવાર શરૂ કરવામાં આવશે. ગુજરાત સરકારના પરિવહન મંત્રી આર. સી. ફળદુએ આ અંગે એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી હતી. તેમજ ધીમે ધીમે એસ.ટી.ની સેવા ફરીથી શરૂ કરવાનું જણાવ્યું હતું. આવતી કાલથી 4 ઝોનમાં બસનું સંચાલન થશે. ઉત્તર , મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં બસનું સંચાલન થશે. જે તે ઝોનની બસ જે તે ઝોનમાં જ ફરશે.


આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, લોકડાઉન-4માં અમદાવાદ અને કન્ટેઇન્મેન્ટ ઝોનને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં એસટીની સેવા પુનઃ શરૂ કરાશે. આજે સવારથી જ અમારા એમડી દ્વારા એસટીના સિનિયર અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી લંબાણ પૂર્વક ચર્ચા કરવામાં આવી. આવતી કાલથી રિજિયન વાઇઝ બસો દોડાવાશે. કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તબક્કાવાર બસો શરૂ થશે.

ફળદુએ બસના ભાડાને લઈને પણ મહત્વપૂર્ણ જાણકારી આપતાં જણાવ્યું હતું કે, પહેલા જે ભાડું લેવાતું હતું તે જ ભાડું લેવાશે. તેમજ બસમાં 60 ટકા પેસેન્જર બેસાડાશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સાંજે સાતથી સવારના સાત વાગ્યા સુધી કર્ફ્યુ હોવાથી દિવસ દરમિયાન બસો દોડાવવામાં આવશે.