ગાંધીનગરઃ ગાંધીનગરના કુડાસણ ખાતે એક કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ઘસી પડતા ચારના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, કુડાસણ ખાતે બની રહેલી પ્રમુખ આનંદ ઓર્બિટ મોલની કન્સ્ટ્રક્શન સાઈટ પર અચાનક જમીન ઘસી પડતા એક એન્જિનિયર અને ત્રણ સર્વેયરના મોત થયા હતા. દટાયેલી વ્યક્તિઓના બહાર કાઢવા માટે ત્રણ જેસીબી મશીનોની મદદ લેવાઇ હતી.


જેસીબી અને સ્થાનિક મજૂરોની મદદથી માટીમાંથી ચારેયને બહાર કાઢી 108ની મદદથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતકોમાં પાર્થ હરેશભાઇ પટેલ, રાજેશ દોલતસિંહ ચૌહાણ, વસંતજી ભૂપતજી. અને પ્રવીણભાઈ સોઢાનો સમાવેશ થાય છે.આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.