ગાંધીનગરઃ છેલ્લા બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં ખાબકેલા ભારે વરસાદને પગલે રાજ્યના 51 રોડ બંધ કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિને કારણે આજે સવારે નવ વાગ્યે માર્ગ અને મકાન વિભાગના વાહન વ્યવહાર માટે રસ્તા બંધ કરાયા છે. જેમાં 10 સ્ટેટ હાઈવેનો પણ સમાવેશ થયા છે. જ્યારે પંચાયત હસ્તકના 39 રોડ રસ્તા પણ બંધ કરવામાં આવ્યા છે. સૌથી વધુ પોરબંદરમાં 15 અને જામનગર જિલ્લામાં 12 રસ્તા બંધ કરી દેવાયા છે. જામનગરમાં બે સ્ટેટ હાઈવે અને 9 પંચાયત હસ્તકના માર્ગોનો સમાવેશ થાય છે.


જિલ્લા પ્રમાણે વિગતો જોઇએ તો ભૂજમાં 1 સ્ટેટ હાઈવે, રાજકોટમાં ચાર પંચાયત હસ્તકના રોડ, મોરબીમાં પંચાયત હસ્તનો એક રોડ, દ્વારકામાં 3 સ્ટેટ હાઈ, 6 પંચાયત હસ્તના રોડ મળી કુલ 9 રોડ બંધ કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં એક સ્ટેટ હાઈવે અને 8 પંચાયત હસ્તકના રોડ મળી કુલ 9 રોડ બંધ કરાયા છે. પોરબંદરમાં 3 સ્ટેટ હાઈવે અને 11 પંચાયત હસ્તકના તેમજ એક અન્ય મળી કુલ 15 રોડ બંધ કરી દેવામાં આવ્યા છે.