ગાંધીનગર: દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં દેશ-વિદેશના ઉદ્યોગ-રોકાણકારોને નિવેશ માટે પ્રેરિત કરતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે બુધવારે એક જ દિવસમાં ૭ લાખ ૧૨ હજાર ૨૫૦ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના MoUનો વિક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સર્જાયો છે.
આ સંદર્ભમાં રાજ્ય સરકાર સાથે વિવિધ ક્ષેત્રોનાં રોકાણ માટે ૫૮ જેટલા MoU ઉદ્યોગ-રોકાણકારોએ કર્યા હતા. તેના દ્વારા ૩ લાખ ૭૦ હજાર ૧૬૫ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ભવિષ્યમાં ઊભી થશે. ૨૦૦૩થી શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની ૧૦મી કડી તા. ૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૪માં યોજાવાની છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં એક નવતર અભિગમ અપનાવીને આ વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે દર સપ્તાહે પ્રતિ બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને મંત્રીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગો સાથે MoU કરવાનો ઉપક્રમ રાજ્ય સરકારે હાથ ધરેલો છે. તદઅનુસાર, અત્યાર સુધીમાં ૧૬ સિરીઝમાં ૧૭૭ MoU દ્વારા ૩ લાખ ૧૪ હજાર ૪૬૯ કરોડ રૂપિયાનું સૂચિત રોકાણ અને તેના થકી ૯ લાખ ૧૯ હજાર જેટલી રોજગારીની તકો પ્રાપ્ત થવાની છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓની ઉપસ્થિતિમાં આ બુધવાર તા. ૩જી જાન્યુઆરીએ આવા MoU સિરિઝની ૧૭મી કડીમાં એક જ દિવસમાં રૂ. ૭,૧૭,૨૫૦ કરોડના સંભવિત રોકાણો માટેના ૫૮ પ્રોજેક્ટ્સના MoU એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. આના પરિણામે ભવિષ્યમાં ૩,૭૦,૧૬૫ સંભવિત રોજગારીની તકો ઊભી થશે. આ બુધવારે થયેલા ૫૮ MoUમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના જાહેર સાહસો NTPC, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ, પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ, ONGC, HPCL, IOCL તથા રાજ્ય સરકારના સાહસો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક કોર્પોરેશન દ્વારા પણ MoU કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રતિષ્ઠિત અને અગ્રણી ઉદ્યોગ ગૃહોએ પણ ક્ષેત્રોમાં રોકાણોના MoU કર્યા હતા.
અત્યાર સુધીમાં આમ કુલ ૧૭ કડીમાં સમગ્રતયા વિવિધ ૨૩૪ MoU કરવામાં આવ્યા છે. તેના દ્વારા સંભવિત ૧૦,૩૧,૨૫૦ કરોડ રૂપિયાથી વધુનું મૂડીરોકાણ અને ૧૨,૮૯,૦૭૮ થી વધુ રોજગારી સર્જનની તકો ઊભી થવાનો અંદાજ છે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આ MoU જે સેક્ટરમાં સંભવિત રોકાણો માટે થયા છે, તેમાં ઈલેક્ટ્રિક વ્હીકલ, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ, બાયોટેકનોલોજી, સિમેન્ટ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, પોર્ટ્સ, એજ્યુકેશન, એન્જિનિયરિંગ, હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ, ઈન્ડસ્ટ્રિયલ પાર્ક, આઈ.ટી.-આઈટીઈએસ, લોજિસ્ટિક્સ, ઓઈલ એન્ડ ગેસ, પેકેજિંગ, પ્લાસ્ટિક, પાવર, ગ્રીન હાઈડ્રોજન અને રિન્યુએબલ એનર્જી, ટેક્ષટાઈલ અને એપેરલ્સ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન, શહેરી વિકાસ જેવા ઘણા નિર્ણાયક ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જ દિવસમાં ૭ લાખ ૧૭ હજાર કરોડ રૂપિયા માટેના સંભવિત રોકાણો માટે MoU થવાની આ ગૌરવ ઘટનાને રાજ્યના ઈતિહાસમાં સિદ્ધિરૂપ ગણાવી હતી. આ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે ગુજરાત દેશ-વિદેશના રોકાણકારો માટે નિવેશનું પસંદગીનું સ્થળ બન્યું છે, તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વાઈબ્રન્ટ સમિટમાં થતાં MoUના અમલીકરણથી ગુજરાતમાં રોજગારીના તથા આર્થિક ઉન્નતિના અનેક અવસરો ઊભા થયા છે.
રાજ્ય સરકાર ઉદ્યોગોમાં રોકાણો માટે આવતા નિવેશકોને કોઈ મુશ્કેલી ન પડે તેવા પ્રો-એક્ટિવ એપ્રોચ સાથે મદદ માટે તત્પર છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. નાણાં-ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ MoU એક્સચેન્જ અવસરના સાક્ષી બન્યા હતા.
ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી ઔદ્યોગિક વિકાસગાથાને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં વધુ જોમ મળ્યું છે, તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. મંત્રી રાજપૂતે ઉદ્યોગ-રોકાણકારો માટે પોલિસી ડ્રીવન સ્ટેટ અને પ્રો-પીપલ ગર્વનન્સ તરીકે ગુજરાત ફર્સ્ટ ચોઈસ ઓફ ઈન્વેસ્ટમેન્ટ બન્યું છે, તેના પાયામાં વડાપ્રધાનએ શરૂ કરાવેલી વાઈબ્રન્ટ સમિટ છે, તેમ ઉમેર્યું હતું.
બુધવારે તા. ૩ જાન્યુઆરીએ MoU એક્ષચેન્જની ૧૭મી સાપ્તાહિક સિરિઝમાં જે ૫૮ MoU થયા છે, તેમાં ૨ હજાર કરોડ રૂપિયાથી ઓછી રકમના રોકાણો માટેના ૨૧, ૨ હજારથી ૫ હજાર કરોડ રૂપિયા સુધીના રોકાણો માટેના ૧૨, પાંચથી ૧૦ હજાર કરોડ રૂપિયાના રોકાણો માટેના ૮ તથા ૧૦ હજાર કરોડ રૂપિયાથી વધુના રોકાણો માટેના ૧૭ MoU હતા. એટલું જ નહીં, એનર્જી, ઈન્ડસ્ટ્રી, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, અર્બન ડેવલપમેન્ટ અને હેલ્થ સેક્ટરમાં સૂચિત રોકાણો આ MoUથી આવશે.