ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના પાટનગરમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ગાંધીનગર જિલ્લામાં કોરોનાના વધુ નવ કેસો સામે આવ્યા છે. જેમાંથી એક કેસ ગાંધીનગર શહેરમાં નોંધાયો છે, જ્યારે બાકીના 8 કેસો ગાંધીનગર ગ્રામ્યમાં નોંધાયા છે.


આ કેસોની વિગતવાર વાત કરીએ તો ગાંધીનગરમાં સેક્ટર 24માં 1 વ્યક્તિ કોરોનાં પોઝિટિવ આવી છે. જ્યારે કુડાસણમાં પીડીપીયુ ચાર રસ્તા પાસે શિવમ કુટીર બંગલોમાં 3 કેસ, રાંદેસણમાં 1 કેસ, કલોલમાં 2 કેસ અને નાના ચિલોડામાં 2 કેસ પોઝિટિવ આવ્યા છે. નોંધનીય છે કે, ગાંધીનગરમાં અત્યાર સુધીમાં કુલ 97 કેસો નોંધાયા છે.



ગાંધીનગરમાં અત્યાર સુધીમાં 20 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે પાંચ લોકોના કોરોનાથી મોત થયા છે. હવે ગાંધીનગરમાં 72 એક્ટિવ કેસો રહ્યા છે. ગુજરાતમાં ગઈ કાલે 5 વાગ્યા સુધીમાં કોરોનાના 7012 કેસ નોંધાયા છે. જેમાંથી 1709 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, તો 425 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસો અમદાવાદમાં છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 4991 કેસો નોંધાયા છે. જ્યારે 886 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, તેમજ 321 લોકોના કોરોનાથી મોત થયા છે. ગુજરાતમાં કુલ 66,861 લોકો ક્વોરેન્ટાઇનમાં છે. તેમજ અત્યાર સુધીમાં 1,00,552 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.