ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો જયજયકાર થઈ ગયો છે અને કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)એ પણ સારો દેખાવ કર્યો છે અને ગુજરાતમાં પહેલી વાર આણ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર તાલુકા પંચાયતના પ્રમુખ બને એવી સ્થિતી સર્જાઈ છે.


આમ આદમી પાર્ટી દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે ભાવનગર જિલ્લાની જેસર તાલુકા પંચાયતમાં 16 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 3 બેઠકો જીતી છે. આમ આદમી પાર્ટીને બહુમતી મળી નથી પણ આ વખતે તાલુકા પંચાયતનું પ્રમુખપદ શીડ્યુલ્ડ કાસ્ટ (એસસી)ના સભ્ય માટે અનામત છે. જેસર તાલુકા પંચાયતમાં શીડ્યુલ્ડ કાસ્ટ (એસસી)ના એક માત્ર સભ્ય આમ આદમી પાર્ટી (આપ)ની ટિકિટ પરથી અતુલભાઈ ભીખાભાઈ નૈયારણ ચૂંટાયા હોવાથી તાલુંકા પંચાયતનું પ્રમુખપદ આમ આદમી પાર્ટી (આપ)ના વિજેતા ઉમેદવારને મળશે. જેસર તાલુકા પંચાયમાં ભાજપના કુલ 12 સભ્યો છે જ્યારે એક સભ્ય કોંગ્રેસના ચૂંટાયા છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (આપ)ના વિજેતા ઉમેદવાર તાલુકા પંચાયતના પ્રમુખ બને એવી આ પહેલી ઘટના હશે.