(હિરેન રાજ્યગુરુનો રિપોર્ટ)


 ગાંધીનગર: ઇચ્છિત પદ મેળવવા માત્ર રાજકારણીઓ જ દાવપેચ રમવામાં માહેર હોય છે તેવું નથી, મનોવાંછિત પદ મેળવવાની બાબતમાં સરકારના એક અધિકારીએ એક પૂર્વ મંત્રી અને હાલના એક મંત્રીને પછાડ્યા હોવાની ચર્ચા સચિવાલય સંકુલમાં ચાલી રહી છે. ચર્ચા પાછળની હકીકત ચોકાવનારી જાણવા મળી છે. રાજ્ય સરકારના એક અધિકારી ઘણા સમયથી એક જ વિભાગમાં કાર્યરત છે. આ વિભાગના તાબામાં આવતી એક કચેરીમાં દર વર્ષે કરોડો રૂપિયાની ખરીદી થાય છે. પોતે વિભાગના ઉચ્ચ અધિકારી હોવા છતાં પોતાના જ વિભાગના તાબામાં આવતી કચેરીના એક પદ પર આરૂઢ થવાનું સ્વપ્ન આ અધિકારીનું હતું. અગાઉની સરકારમાં વિભાગના મંત્રી સમક્ષ અધિકારીએ મનગમતું પદ મેળવવા ઈચ્છા વ્યક્ત કરી હતી. તે સમયના વિભાગના મંત્રી અધિકારીની મંછા સારી રીતે જાણતા હોવાથી તેમણે અધિકારીને એવો જવાબ આપ્યો કે 'એ પદ ભલે ખાલી રહેતું તેના ઉપરના પદ ઉપર હોદ્દાની રુએ હું છું જ કંઈ સમસ્યા હશે તો આપની સલાહ લઈશ' અધિકારીની ઈચ્છા ઉપર જે તે સમયના મંત્રીએ ઠંડુ પાણી ઢોળી દેતા અધિકારી શાંત થઈ ગયા. સમય જતાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ બદલાયા. બદલાયેલા મંત્રીની સાથે જ ફરી એક વખત આ અધિકારીના અધૂરા સપનાએ સળવળાટ શરૂ કર્યો. દરમિયાન પેટા કચેરીમાંથી કરોડો રૂપિયાની ખરીદીના ઓર્ડર થતાની સાથે જ આ અધિકારીએ સમયનો તકાજો જોતા સ્વપ્ન પૂરું કરવા યોજના ઘડી. વિભાગના નવા મંત્રી સમક્ષ જઈ ફરી ખાલી પદ પોતાની નિમણૂક કરવા માગણી કરી. અગાઉના મંત્રીની જેમ આ શિક્ષિત મંત્રી પણ આ અધિકારીની પદ મેળવવા પાછળનો ઈરાદો માપી ગયા હતા. પરિણામે તેમણે પણ અધિકારીને જવાબ આપ્યો કે, 'અરે સાહેબ આપ વિભાગના વડા જ છો અને આમ પણ હોદ્દાની રુએ હું અધ્યક્ષ છું, એટલે જે નિર્ણય લેવાનો હશે તે સાથે મળીને લઈશું. આ પદ ભલે ખાલી રહેતું.' થોડા સમય બાદ કરોડો રૂપિયાની જે ખરીદી થઈ હતી તે ખરીદીમાં ગડબડ થઈ હોવાના અહેવાલ મીડિયામાં આવ્યા. ધીરે ધીરે વિવાદ વધ્યો અને બાદમાં તે ખરીદીના ટેન્ડરમાં ભાગ લેનાર એક કંપનીએ મુખ્યમંત્રી કક્ષાએ ફરિયાદ કરી. અને વિવાદ વકર્યો. અધિકારી હવે સીધા પહોંચી ગયા મુખ્યમંત્રી કાર્યાલય અને રજૂઆત કરી કે કચેરીનું આ પદ ખાલી હોવાના કારણે આ ગૂંચવાડો ઊભો થયો છે. આ પદ પર નિમણૂક થાય તો આ વિવાદ શાંત થઈ જાય અને ભવિષ્યમાં પણ આવી કોઈ સમસ્યા નહિ થાય. આટલું કહેતા આ બાબતની જવાબદારી પણ પોતે લેવા તૈયાર થઈ. આ વાતના ગણતરીના દિવસોમાં એક ઓર્ડર થાય છે જે ઓર્ડરના કારણે ઉચ્ચ અધિકારીનું સ્વપ્ન પૂર્ણ થાય છે. પોતાના વિભાગની પેટા કચેરીના એક પદ પર તે જ અધિકારીની નિમણુક કરતો એ ઓર્ડર થયો છે. સચિવાલયમાં ચાલી રહેલી ચર્ચા મુજબ જે વિવાદ થયો અને મુખ્યમંત્રી સુધી ફરિયાદ થઈ તેની પાછળ આ ઉચ્ચ અધિકારીનું જ દિમાગ હતું. પોતાનું ધાર્યું કરવા માટે આ અધિકારીએ જ યોજના ઘડી હતી અને અમલમાં મૂકી હતી. જેમાં એક કંપનીએ પણ તેમને સાથ આપ્યો હતો. આમ બે બે મત્રીઓએ પદ આપવા માટે ઘસીને ના પડ્યા બાદ પણ સોગઠાં ગોઠવી પદ મેળવી અધિકારી દાવપેચ રમવામાં રાજકારણી કરતા પાવરધા સાબિત થયા.