ગાંધીનગરઃબિન સચિવાલય પેપર કાંડ મામલે ધરપકડ કરાયેલા છ આરોપીઓને ગાંધીનગર સેશન્સ કોર્ટે આઠ દિવસના રિમાન્ડ પર મોકલ્યા હતા. પોલીસે તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે આરોપીઓના 3 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. નોંધનીય છે કે ગઇકાલે બિન સચિવાલય ક્લાર્ક વર્ગ-3ની પરીક્ષામાં ગેરરીતિ મામલે છ આરોપીઓની ધરપકડ કરાઇ હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્ધારા 17 નવેમ્બરના રોજ લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિનો ખુલાસો થતાં રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી હતી.

લખવિંદર સિંહ નામનો આરોપી કોંગ્રેસનો કાર્યકર છે જેને લઇને ભાજપ અને કોગ્રેસ સામસામે આવી ગયા છે. કોંગ્રેસે આરોપી મહમ્મદ ફારૂક કુરેશીના ભાજપના સાંસદ ડૉ.કિરીટ સોલંકી સાથેના ફોટો જાહેર કર્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું હતું કે  લખવિંદરસિંહ વિદ્યાર્થી નેતા છે. તેમણે કહ્યુ કે, મહમ્મદ ફારુક વહાબ કુરેશીને ભાજપના અમદાવાદ(પશ્ચિમ)ના સાંસદ ડૉ.કિરીટ સોલંકીએ તેમને તેમના સંગઠન પર્વમાં સત્તાવાર રીતે જોડ્યો હતો. નોંધનીય છે કે આ મામલે ધરપકડ કરાયેલા લોકોની ઓળખ  પ્રવિણદાન ગઢવી,સ્કૂલના પ્રિન્સિપાલ વિજયસિંહ વાઘેલા,ફખરુદ્દીન, સ્કૂલના સંચાલક ફારુખભાઈ,  દીપક જોષી અને લખવિંદર સિંહ તરીકે થઇ છે. પેપર વોટ્સએપ અને ટેલિગ્રામ મારફતે મોકલવામાં આવ્યું હતું.