નવી દિલ્હીઃ આચાર્ય દેવવ્રતે આજે ગુજરાતના 20મા રાજ્યપાલ તરીકેના શપથ લીધા હતા. તેમણે સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યા હતા. ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસે રાજભવન ખાતે  આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા હતા. રાજ્યપાલના શપથ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ રાજ્યપાલ ઓ.પી કોહલી, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


ગુજરાતના રાજ્યપાલ બનતા અગાઉ આચાર્ય દેવવ્રત હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા. તેઓ 1981થી 2015 સુધી કુરુક્ષેત્રના ગુરુકુળમાં આચાર્ય તરીકે કાર્યરત હતા. તેમનો જન્મ 18 જાન્યુઆરી 1959ના રોજ લહેરીસિંહના ઘરે હરિયાણામાં થયો હતો. તેમણે હિંદી અને ઇતિહાસમાં માસ્ટર અને બી.એડની ડિગ્રીઓ મેળવેલી છે. ઇતિહાસ ઉપરાંત તેમણે યોગ વિજ્ઞાન અને નેચરોપેથીમાં ડૉક્ટરેટ કરેલું છે.તેઓ હિમાચલ પ્રદેશ વિશ્વ વિદ્યાલય - શિમલા, ચૌધરી સરવણ કુમાર કૃષિ વિશ્વ વિદ્યાલયમાં કુલપતિ રહી ચૂક્યા છે.