અમદાવાદ: અલનીનોની અસર સમાપ્ત થયા બાદ ફરીથી મોનસુન સક્રિય થઈ ગયું છે. શનિવારથી ગુજરાતમાં વરસાદનું ફરી આગમન થયું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 27 જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 25મી જુલાઈ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના નિઝરમાં નોંધાયો છે. નિઝરમાં 24 કલાકમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે સુરતમાં પણ 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં દક્ષિણ, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગજરાતમાં પણ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં તાપીના સોનગઢમાં પોણા ત્રણ ઇંચ, સુરતના ઉમપપાડામાં 2.5 ઇંચ, તાપીના ઉચ્છાળમાં પોણા ત્રણ ઇંચ, તાપીના વાલોદમાં 2.5 ઇંચ, જામનગરના જામજોધપુરમાં 2.5 ઇંચ, વ્યારામાં 2.5 ઇંચ, કામરેજમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

નર્મદા જિલ્લાના નાંદોદમાં 2 ઇંચ, સુરત જિલ્લાના મહુવામાં 2 ઇંચ, ભાવનગર શહેરમાં 2 ઇંચ, સુરતના માંડવીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના નર્મદા જિલ્લાના સાગબાપા, ભરૂચના વાલિયા, અંકલેશ્વર, તાપીના કુકરમુંડા, તાપીનાડોવલણ, ડેડિયા પાડા, અને મોરબીના માળિયા મિયાણા, ભરૂચ શહેર, હાંસોટ, અને સુરત જિલ્લાના માંગરોણમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે.

વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. 24 કલાક દરમિયાન વરસેલા વરસાદમાં રાજ્યના અનેક જિલ્લામાં 1થી1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં નવસારી શહેર, ગરૂડેશ્વર, જૂનાગઢ શહેરમાં 1-1 ઇંચ વરસાદનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યના બારડોલી, બોટાદ, નેત્રંગ, મેંદરડા, અંજાર, ખેરગામ, ઘોઘા, ઓલપાડ, તિલકવાડા, વિસાવદરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે.