ગાંધીનગરઃ વિદેશી પક્ષીઓનાં ઘર ગણાતા વઢવાણા તળાવ (Vadhvana Lake) અને થોળ લેકનો (Thol century) સમાવેશ દેશની રામસર સાઇટ્સમાં (Ramsar Sites) કરાયો છે. વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા દેશની ચાર સાઇટનો રામસર યાદીમાં સમાવેશ કરાયો છે. જેમાં ગુજરાતની બે સાઇટનો પણ સમાવેશ થાય છે.
વડોદરાના ડભોઈમાં આવેલા વઢવાણા તળાવમાં શિયાળામાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. મોટાભાગે મધ્ય એશિયાના દેશોમાંથી આ પક્ષીઓ આવે છે. વઢવાણા તળાવમાં 80 પ્રજાતિના પક્ષીઓ અહીંયા આશરો લેતા હોય છે. પલ્લાસનું ફિશ-ઈગલ, કોમન પોચાર્ડ, ડાલમેશિયલ પેલિકેન, ગ્રે હેડેડ ફીશ-ઈગલ વગેરે પક્ષીઓ અહીં આવે છે. વઢવાણામાં થયેલી 29મી પક્ષી ગણનામાં 133 પ્રજાતિના અંદાજે 62,570 જેટલા પક્ષીઓ નોંધાયા હતા.
આ યાદીમાં અમદાવાદ પાસે આવેલા થોળ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીનો પણ સમાવેશ કરાયો છે. થોળ મધ્ય એશિયાઈ દેશોના પક્ષીઓનું શિયાળું રહેણાંક છે. અહીં 320 કરતાં વધુ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે. અહીં કેટલીક લુપ્ત પ્રજાતિઓ વ્હાઇટ રમ્પ વલ્ચર, સોશિએબલ લેપવિંગ, સારસ ક્રેન, કોમન પોચાર્ડ, લેસર વ્હાઇટ ફ્રન્ટેડ ગૂઝ વગેરે આવે છે.
રામસર સાઇટ્સ એવા જળસ્થાનો છે જે આંતરાષ્ટ્રીય મહત્વ ધરાવે છે. આ યાદીમાં ચાર સાઇટ ઉમેરાતા રામસર સાઇટની સંખ્યા 46 થઈ છે. રામસર ઇન્ટરનેશલ બોડી છે જેના દ્વારા આ પ્રકારે પ્રથમ સાઇટને ચિન્હીત કરાઇ હતી. ઈરાનના રામસરમાં આ સાઇટ આવેલી હતી અને તે વર્ષ 1971થી કાર્યરત છે.
અગાઉ આ યાદીમાં ગુજરાતના નળસરોવર પક્ષી અભ્યારણનો સમાવેશ કરાયો હતો. નળ સરોવર રાજ્યનું સૌથી મોટું પક્ષી અભ્યારણ છે. નળ સરોવર આશરે 250 જેટલી પ્રજાતિઓનું ઘર છે.