GST બાદ હવે ગુજરાત મેરિટાઈમ બોર્ડ પણ ચર્ચામાં છે. બોગસ ઈનપૂટ ક્રેડિટ માટે સેલ કંપનીઓનો પર્દાફાશ અને આ કાંડમાં મહેશ લાંગા નામના પત્રકારની ધરપકડ બાદ હવે વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહેશ લાંગા અને અગાઉ જમીન કૌભાંડોમાં ઝડપાયેલ એસ.કે.લાંગા સાથે સંપર્ક ધરાવતા અધિકારીઓ અને તેમના મળતીયાઓમાં દોડધામ મચી ગઈ છે.
સૂત્રોની જાણકારી મુજબ રાજ્ય સરકારના મેરિટાઈમ બોર્ડમાં ટેન્ડર અને પોર્ટની સંવેદનશીલ વિગતો લીક કરવાના આરોપ સાથે સેક્ટર સાતમાં ગુનો પણ દાખલ કર્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2), 306, 316(5), 61(2) અને લાંચ રૂશ્વત અટકાયત એક્ટની કલમ 7(એ), 8(1), 12,13(1) અને 12(2) હેઠળ ગુનો નોંધ્યો હતો. જે અંતર્ગત છેલ્લા 36 કલાકથી પોલીસની ટીમોએ છાપેમારી અને કેટલાક અધિકારીઓની પૂછપરછ પણ શરૂ કરી છે. ગાંધીનગરના સેક્ટર દસમાં આવેલ ગુજરાત મેરિટાઈમ બોર્ડ સંલગ્ન ઓફિસોમાંથી લીક થયેલી વિગતો અને તેમા સામેલ તમામ પોલીસના રડાર પર છે.
સેલ કંપનીઓની તપાસ માટે લાંગાના ઠેકાણા પર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છાપેમારી કરી હતી ત્યારે કેટલાક ડોક્યુમેન્ટો મળ્યા હતા. જે મેરિટાઈમ બોર્ડમાંથી લીક થયા હોવાનું સામે આવ્યુ હતુ. આ તમામ ડોક્યુમેન્ટ લાંગાના કબજામાં હતા. મહેશ લાંગા આ દસ્તાવેજોનો દુરૂપયોગ કરી કેટલાકને બ્લેકમેઈલ કરતો તો કેટલાક અધિકારીઓ સાથે મળીને પતાવટ કરતો હતો.
પૂર્વ કલેક્ટર એવા એસ.કે.લાંગા પર ગાંધીનગરમાં જમીનના મોટા કાંડનો આરોપ છે. તો તેનો જ પરિવારજન એવો મહેશ લાંગા વ્યવસાયે તો પત્રકાર હતો. પરંતુ તેના સંપર્કો આઈએએસ સહિતના અનેક અધિકારીઓ સાથે રહ્યા છે. ત્યારે લાંગા સાથે સંપર્ક રાખનાર અને લાંગાની પાર્ટીઓમાં ઉપસ્થિત રહેનાર અધિકારીઓમાં ફફડાટ વ્યાપેલો છે. સૂત્રોનું માનીએ તો ગાંધીનગરમાં દાખલ થયેલી ફરિયાદ પીસી એક્ટ એટલે કે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ દાખલ થઈ છે. આ મુદ્દે કોઈપણ અધિકારી કે તપાસ એજન્સી તરફથી સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ તમામ કાંડની તલસ્પર્શી તપાસ થાય તો અનેક અધિકારીઓ નેતાઓ અને તેમના મળતીયાઓ બેનકાબ થશે. મેરિટાઇમ બોર્ડની વિગતો લીક કરવાના કૌભાંડની આશંકા છે. મહેશ લાંગાની ધરપકડ બાદ વધુ પર્દાફાશની આશંકા છે. ગાંધીનગરમાં પોલીસે અધિકારીઓની પૂછપરછ કરી હતી. તપાસમાં સિનિયર અધિકારીઓના નામ સામે આવે તેવી શક્યતા છે.
રાજ્યમાં બનાવટી દસ્તાવેજોથી 200 જેટલી બોગસ કંપની ઉભી કરીને GST કૌભાંડ આચર્યું હતું. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ પાંચ શખ્સોને ભાવનગર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ પાંચેય શખ્સોએ બોગસ કંપની બનાવનાર પાસેથી 5000 થી લઇને 15000 માં ખરીદીને અન્ય વ્યક્તિઓને આ કંપની 25000 થી લઇને 50000 માં વેચાણ આપી હોવાનું સામે આવ્યું છે.