Diwali celebration Akshardham: દીપાવલી એટલે અજ્ઞાનરૂપ અંધકારમાંથી જ્ઞાનરૂપ પ્રકાશ પ્રાપ્ત કરવાનો અલૌકિક ઉત્સવ. સ્વામિનારાયણ અક્ષરધામ આ ઉત્સવ સતત ૩૨ વર્ષથી પરંપરાગત શૈલીથી ૧૦,૦૦૦ દીવડાઓ પ્રગટાવી મનાવે છે.


અક્ષરધામ પ્રત્યેક મનુષ્યને જીવનમાં સદાચાર, સંયમ, સત્ય, દયા, અહિંસા, અસ્તેય, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જેવા અગણિત દીવડાઓ પ્રગટાવી જીવનને દિવ્ય બનાવવાનો સંદેશ આપી રહ્યું છે.


આ વર્ષે પણ દીપાવલીના આ પર્વે દર્શનાર્થીઓ ગુરૂવાર, તા. ૩૧-૧૦-૨૦૨૪થી શુક્રવાર, તા. ૮-૧૧-૨૦૨૪ સુધી દરરોજ સાંજે ૬.૦૦ થી ૭.૪૫ દરમિયાન નયનરમ્ય દીવડાઓ તેમજ ગ્લો ગાર્ડનથી આલોકિત અક્ષરધામ દર્શનનો આસ્વાદ માણી શકશે.


સોમવાર, તા. ૪ ૧૧ ૨૦૨૪ના રોજ પ્રદર્શન ખંડો, વોટર શો સહિત અક્ષરધામના તમામ આકર્ષણો ખુલ્લાં રહેશે.


આ સાથે આપને જણાવતાં આનંદ થાય છે કે, મહાન સંત વિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સર્જેલા સ્વામિનારાયણ અક્ષરધામના આ પરિસરમાં એક નવું દર્શનીય સોપાન ઉમેરાઈ રહ્યું છે. એ છે શ્રી નીલકંઠવર્ણીની 49 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની સ્થાપના. ભગવાન શ્રી સ્વામિનારાયણે 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરીને માનસરોવરથી લઈને કન્યાકુમારી સુધી અને આસામથી લઈને ગુજરાત સુધીની પદયાત્રા તીર્થયાત્રા કરી હતી. 12,000 કિલોમીટર અને 7 વર્ષની તેઓની આ વિરલ પદયાત્રા દરમ્યાન તેઓ નીલકંઠવર્ણી તરીકે સૌના આદરણીય બન્યા હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણે શ્રી નીલકંઠવર્ણી તરીકે માનસરોવરમાં તેમજ નેપાળના હિમાલયમાં મુક્તિનાથ તીર્થમાં એક પગે ઊભા રહીને લોકકલ્યાણ માટે તપસ્યા કરી હતી. એમની એ તપોમુદ્રાની સ્મૃતિ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિત્ય લાખો ભક્તો 200 વર્ષોથી આજે પણ નિત્ય સવારે પ્રાતઃપૂજામાં એક પગે ઊભા રહીને બે હાથ ઊંચા કરીને નામજપ કરે છે.


એટલે જ, ભગવાન સ્વામિનારાયણની એ તપોમૂર્તિને અંજલિ અર્પવા માટે અને આવનારી અનેક પેઢીઓને તપ, જપ તથા સંયમની પ્રેરણા આપવા માટે સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરમાં ભગવાન સ્વામિનારાયણના કિશોર સ્વરૂપ શ્રી નીલકંઠવર્ણીની તપોમૂર્તિની વિધિવત્ સ્થાપના કરવામાં આવશે. તારીખ. 11 નવેમ્બર 2024ના રોજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના કરકમલો દ્વારા વૈદિક યજ્ઞવિધિ સાથે આ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે.


છેલ્લાં કેટલાંક મહિનાઓથી ચાલી રહેલું પંચધાતુની આ ભવ્ય મૂર્તિનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર 49 વર્ષ બિરાજમાન રહ્યા હતા. તેની સ્મૃતિમાં આ મૂર્તિની ઊંચાઈ 49 ફૂટ રાખવામાં આવી છે. અક્ષરધામ પરિસરમાં જ્યાં શ્રી નીલકંઠવર્ણીની મૂર્તિ બિરાજમાન થઈ છે ત્યાં મનને શાંતિ અને પવિત્ર પ્રેરણાઓથી ભરી દે તેવી સુંદર નીલકંઠવાટિકાનું નિર્માણ કરવામાં આવ્યું છે.


દીપાવલી પર્વે અક્ષરધામ પરિસરમાં હજારો દીવડા પ્રગટશે અને તેનો સુંદર નજારો માણવા હજારો લોકો ઊમટશે ત્યારે સાથે સાથે નીલકંઠવર્ણીની આ ભવ્ય મૂર્તિ અને શ્રી નીલકંઠવાટિકાના સુંદર દૃશ્યને પણ માણી શકશે.