ગાંધીનગરઃ આખી દુનિયામા કોરોના વાયરસના વધતા કેસને જોતા સ્વામિનારાયણ સંસ્થા બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોત્તમ સંસ્થા( BAPS)એ દુનિયાના પોતાના તમામ સ્વામિનાયણ મંદિરોને લઇને મહત્વનો નિર્ણય લીધો છે.  બીએપીએસએ એક મીડિયા રીલિઝમાં જણાવ્યું કે, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં તમામ શિખરબદ્ધ મંદિરો, હરિમંદિરો તેમજ બાળ-કિશોર-યુવા-મહિલા-સંયુક્ત વગેરે સહિત તમામ સત્સંગ કેન્દ્રોમાં યોજાતા રવિ સત્સંગ સભા, અઠવાડિક સત્સંગ સભા કે રોજિંદી સત્સંગ સભાઓના કાર્યક્રમો, તમામ જાહેર કાર્યક્રમો, તમામ ઉત્સવો, પૂનમ કે એકાદશીના કાર્યક્રમો, મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવો કે પાટોત્સવ વગેરે મોકૂફ રાખવામાં આવેલ છે.




જોકે, સંસ્થાની મીડિયા રીલિઝમાં કહેવામાં આવ્યું છે કે સંસ્થાના તમામ મંદિરોમાં દર્શન અને અભિષેક રાબેતા મુજબ ખુલ્લા રહેશે. સાથે સંસ્થા દ્ધારા લોકોને વિનંતી કરવામાં આવી છે કે મંદિરમાં દર્શન માટે આવેલા ભક્તોએ વધુ સંખ્યામાં એકત્રિત ન થાય તેની સાવધાની રાખવામાં આવે.

સંસ્થાનું કહેવું છે કે કોરોના વાયરસના વધતા કેસ અને  સ્થાનિક લોકો, પ્રવાસીઓ અને સ્વયંસેવકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંસ્થાએ કહ્યું કે, અમેરિકા, કેનેડા, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં મંદિર અગાઉથી બંધ કરવામાં આવી ચૂક્યા છે. જ્યારે ભારત અને આફ્રિકામાં મંદિરો એક સપ્તાહમાં બંધ કરવામાં આવશે. નોંધનીય છે કે અમેરિકામાં સંસ્થાના લગભગ 100 મંદિરો છે.

સાથે સંસ્થાએ કહ્યું કે, ભક્તો ઓનલાઈન કે પ્રસારણ માધ્યમો દ્ધારા ઘરે બેઠા સત્સંગનો લાભ લઇ શકે તે માટે આયોજન કરવામાં આવશે. ઉપરાંત સંત-વિચરણ અને પારિવારિક શાંતિ અભિયાન હાલ પુરતું મોકુફ રાખવામાં આવ્યુ છે.