તાજેતરમાં જ અંબાજી પહોંચેલા રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરને અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે કે કેમ તેવું પૂછાતા તેમણે કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોર ઈચ્છા ધરાવતા હોય તો અમારા દરવાજા સદાય માટે ખુલ્લા છે. એટલું જ કે અમારી રીતી અને નીતિને સ્વીકારવા તૈયાર હોય તો અમે પણ તેમને સ્વીકારવા તૈયાર છીએ.
બીજી તરફ કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પાઠ ભણાવવા કોંગ્રેસ મક્કમ છે. ગુજરાત કોગ્રેસે પેટા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાધનપુર અને બાયડ વિધાનસભાની તૈયારીઓ શરૂ કરવા આદેશ આપી દેવાયા છે. બંને બેઠકના જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓને તૈયારીઓના આદેશ આપ્યા છે.
એટલું જ નહીં, રાધનપુર અને બાયડ માટે ઉમેદવાર પસંદગી અંગે મંતવ્યો મેળવવાની શરૂઆત કરી દેવાઇ છે. સ્થાનિક હોદ્દેદ્દારોને સાથે રાખી એકજુથ થઇ ગદ્દારોને પાઠ ભણાવવા નિર્દેશ કોંગ્રેસ દ્વારા અપાયા છે. આગામી સમયે તાલુકા પ્રમુખો, હોદ્દેદ્દારો સાથે બેઠક યોજવામાં આવશે. રાધનપુર, બાયડ ઉપરાંત અમરાઇવાડી, થરાદ, મોરવા હડફ, લુણાવાડા અને ખેરાલુ પેટા ચૂંટણીની પણ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે.