જીત બાદ સીએમ રૂપાણી અને જીતુ વાઘાણી સહિતના નેતાઓએ જીતેલા ઉમેદવારોનું અભિવાદન કર્યું હતું. રાજ્યસભાની ચૂંટણીમાં હાર બાદ કૉંગ્રેસ કાયદાકીય લડાઈ લડશે. કૉંગ્રેસ ચૂંટણી સામે કૉર્ટના દ્ધાર ખખડાવશે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી બાદ હાઇકોર્ટમાં જવાનું કહ્યુ હતું.
જીત બાદ વિદેશમંત્રીએ એસ.જયશંકરે કહ્યું કે ગુજરાતથી જીતીને જવુ મારા માટે ગૌરવની વાત છે. વિશ્વ ભરમાં ગુજરાતીઓ વસે છે. સૌ પ્રથમ હું પીએમ,રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતની સરકારનો આભાર માનું છું. વિદેશમંત્રી સાથે ગુજરાતીઓનો સંબંધ ખૂબ છે. દેશની વિદેશમાં છબિ બદલવામાં ગુજરાતનો સક્રિય ફાળો છે. આજે તમે મને સાંસદ બનાવ્યો છે.વિદેશમાં જે પણ થઈ શકશે મારા તરફથી હું પ્રયાસ કરીશ.
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના બંન્ને ઉમેદવારોના વિજય બાદ ભાજપે અભિવાદન સમારોહ યોજ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ભાજપના બંને ઉમેદવારો જંગી બહુમતીથી જીતી ગયા છે. કોગ્રેસ કરતા ભાજપને વધુ મત મળ્યા છે. કોગ્રેસ આંતરિક કેટલી ખોખલી છે તે દેખાઇ આવ્યું છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની સરકારમાં બંને સાથીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
નોંધનીય છે કે આ અગાઉ કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કરતા કોગ્રેસના ઉમેદવાર ગૌરવ પંડ્યાએ વાંધા અરજી કરી હતી. જેને પગલે મતગણતરીમાં ત્રણ કલાક જેટલો વિલંબ થયો હતો. પરંતુ ચૂંટણીપંચે તેમની વાંધા અરજી ફગાવ્યા બાદ મતગણતરી શરૂ થઈ હતી.