અમદાવાદમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં ફરી દુકાનો શરૂ કરવાની મંજૂરી અપાઈ છે પણ છ વિસ્તારોમાં દુકાનો શરૂ નહી કરી શકાય. આ વિસ્તારોમાં બહેરામપુરા, શાહપુર, જમાલપુર, ખાડિયા, દરિયાપુર, દાણીલીમડાનો સમાવેશ થાય છે.આ વિસ્તારોમાં હમણાં દુકાનો નહીં ખૂલે. 3 મે સુધી લોકડાઉન છે અને ત્યાં સુધી આ વિસ્તારોમાં દુકાન ખોલવાની મંજૂરી નથી અપાઈ. એ પછી શું કરવું તે અંગે રાજ્ય સરકાર પછી નિર્ણય લેશે.
આ જાહેરાત કરતાં મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે રાજ્યમાં લૉકડાઉનનો બીજો તબક્કો પૂરો થવા જઈ રહ્યો છે પરંતુ લોકોને જરૂરી વસ્તુઓ મળી રહે અને અર્થવ્યવસ્થા પણ જળવાઈ રહે તે માટે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે બહાર પાડેલી માર્ગદર્શિકા મુજબ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજ્યભરમાં અમુક શરતો આધીન દુકાનો ચાલુ કરાવવાનો નિર્ણય લીધો છે. જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ સમીક્ષા કરી અન્ય વ્યવસાય માટે છૂટછાટ આપવામાં આવશે.