ગાંધીનગરઃ  રૂપાણી સરકારે રાજ્યના નાના-મોટા દુકાનદારોને લઇને એક મહત્વનો નિર્ણય લીધો છે. સીએમઓના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં આવતીકાલથી તમામ જિલ્લાઓમાં આવેલી દુકાનો શરૂ કરી શકાશે. મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. સ્ટેશનરી,ચશ્માંની દુકાનો,પ્રોવિઝન સ્ટોર જેવી દુકાનો શરૂ કરી શકાશે. સાથે તેમણે કહ્યું હતુ કે રાજ્યમાં પાન મસાલાની દુકાનો શરૂ કરવા દેવામાં નહી આવે. તે સિવાય સલૂન, સ્પા અને દારૂની દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી નથી. સાથે તેમણે કહ્યું કે, કન્ટેન્ટમેન્ટ એરિયા બહાર આવેલી દુકાનો જ શરૂ કરી શકાશે. હોટસ્પોટ વિસ્તારમાં કોઈપણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં. તે સિવાય કઇ દુકાનોને શરૂ કરવાની મંજૂરી આપવામાં નહી આવે એ સાંજ સુધીમાં નિર્ણય કરવામા આવશે.


અશ્વિની કુમારે કહ્યુ કે, આ દુકાનમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ફરજિયાત પણે કરવાનું રહેશે. સાથે 50 ટકા કર્મચારી સાથે કામ કરવાનું રહેશે. દુકાનદારોએ પાસ કઢાવવાની જરૂર રહેશે નહીં. પરંતુ દુકાનદારોએ જરૂરી ગુમાસતા ધારાનું લાયસન્સ અથવા અન્ય પુરાવા સાથે રાખવા જરૂરી રહેશે. રાજ્યની સહકારની મંડળીઓની વ્યવસ્થાપક મંડળની મુદ્દત 31 જૂન સુધી લંબાવવામાં આવી છે.