NFSU Convocation Gandhinagar : ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (National Forensic Sciences University - NFSU)નો પ્રથમ પદવીદાન (Convocation) સમારોહ યોજાયો. આ સમારોહમાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં. આ સમારોહમાં પોતાના સંબોધનમાં ગૃહમંત્રી અમિત શાહે દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ અંગે મોટું નિવેદન આપ્યું અને સાથે મોટી જાહેરાત પણ કરી. 


ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં સુધારો કરશે કેન્દ્ર સરકાર 
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જાહેરાત કરી કે કેન્દ્ર સરકાર દેશભરની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં સુધારો કરશે.  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ બાબતે સંકેત આપતા જણાવ્યું કે કેન્દ્ર સરકાર ભારતીય દંડ સહિતા ક્રિમિનલ પ્રોસિજર કોડ અને એવિડન્સ એક્ટમાં સુધારા લાવવા જઈ રહી છે. છ વર્ષથી વધુ સજાની જોગવાઈ હોય તેવા આરોપ વાળા કેસોમાં ફોરેન્સિક એવિડન્સ ફરજિયાત કરાશે. 


2025 સુધીમાં બધા રાજ્યોમાં NFSUના કેમ્પસ બનાવાશે
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પહેલા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા અમિત શાહે આ નિવેદન આપ્યું. આ સાથે જ 2025 સુધીમાં દેશના તમામ રાજ્યોમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કેમ્પસ ઉભા કરવા અંગેનો સરકારનો સંકલ્પ પણ તેમણે સ્પષ્ટ કર્યો.


આરોપ અને દોષ સિદ્ધ કરવા માટે ફોરેન્સિક સાયન્સની ઉપયોગીતા મહત્તા વિશે પણ એમણે નિવેદન આપ્યા. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં ગુનાના બનાવવાળી જગ્યાએ પ્રાથમિક ફોરેન્સિક એવિડન્સ મેળવી શકાય તે માટે ફોરેન્સિક વાન ઉપલબ્ધ કરાવવાની પણ તેમણે ખાતરી આપી.




આગામી સમય થર્ડ ડિગ્રીનો નહીં, પણ ફોરેન્સિક તપાસનો 
ખૂન, બળાત્કાર અને ધાડ સહિતના ગુનાઓમાં પ્રાથમિક તબક્કે જ ફોરેન્સિક એવિડન્સ મેળવવાની જરૂરિયાત તેમણે ભાર મુક્યો.  આગામી સમય થર્ડ ડિગ્રીનો નહીં પરંતુ ફોરેન્સિક તપાસનો બની રહેશે, એવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો.


ભારત જ્યારે પાંચ ટ્રીલીયન ડોલરની ઇકોનોમી બનવા જઈ રહી છે ત્યારે દેશ સામેના પડકારો બાબતે જણાવતા તેમણે કહ્યું કે નાર્કોટિક ડ્રગ્સ અને સાઇબર એટેક તેમજ નકલી નોટોએ દેશ માટે મોટું પડકાર છે અને આવા ગુનાઓ માં ફોરેન્સિક તપાસનું મહત્વ અનેક ગણું વધી જાય છે. 


ડિગ્રી મેળવનાર સૌને નોકરીનું આશ્વાસન 
સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પહેલા પદવીદાન સમારોહમાં ડિગ્રી 1132 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી. આ અંગે ગૃહપ્રધાન અમિત શાહે શુભેચ્છાઓ આપી અને આશ્વાસન આપ્યું કે ડિગ્રી મેળવનાર એક પણ વ્યક્તિ નોકરી વિનાની નહીં રહે પરંતુ તેમણે આશા પણ રાખી કે ડિગ્રી મેળવનારાઓ લોકહિત અને દેશ હિત માટે કામ કરશે અને પોતાની માતૃભાષા નું મહત્વ જાળવી રાખશે.