ગાંધીનગરઃ નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ કાશ્મીર પર મોટો નિર્ણય કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હેઠળ કાશ્મીરને મળતો વિશેષ દરજ્જો ખતમ કરવાનો સંકલ્પ રાજ્યસભામાં રજૂ કર્યો છે. ઉપરાંત રાજ્યસભામાં અમિત શાહે રાજ્ય પુનર્ગઠન બિલ રજૂ કર્યું છે. તે અંતર્ગત જમ્મુ કાશ્મીરથી લદ્દાખને અલગ કરવામાં આવ્યું છે. લદ્દાખને વિધાનસભા વગરનો કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. મોદી સરકારના આ નિર્ણયની સમગ્ર ગુજરાતમાં જોશભેર ઉજવણી કરવામાં આવી હતી.




અમદાવાદમાં જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓએ ABP અસ્મિતાને જણાવ્યું કે, સરકારનું આ કદમ ઐતિહાસિક છે. અનેક વર્ષોથી અમે આ કદમની પ્રતીક્ષા કરતા હતા. સરકારના આ પગલાંથી રોજગારીની તકો વધશે. રોકાણ વધવાથી પૈસા આપીને પથ્થરમારો કરાવવાનું બંધ થશે. કશ્મીર હવે ખરા અર્થમાં ધરતીનું સ્વર્ગ કહેવાશે. અનેક મોટી કંપનીઓ હવે રોકાણ કરશે. અમે જમ્મુની તમામ સ્થિતિઓ જોઈ છે અને અનુભવી છે.



ડાયમંડ નગરી સુરતમાં કેન્દ્ર સરકારના નિર્ણયને લઇને શહેરના વિદ્યાર્થીઓ કેક કાપી કરી ઉજવણી કરી હતી. શહેરીજનોએ ભારત માતા કી જયના નારા સાથે નિર્ણયને વધાવ્યો હતો.



રાજકોટમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ માટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સરકારના નિર્ણયને વધાવી આતશબાજી કરવામાં કરી હતી. લક્ષ્મીનગરના ત્રિશુલચોકમાં લોકોએ ફટાકડા ફોડી અને મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.



અમરેલીમાં ભાજપના નેતા દિલીપ સંઘાણીએ ફટાકડા ફોડી આતશબાજી કરી હતી. ભાજપના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચા કરી ઐતિહાસિક નિર્ણયને વધાવ્યો હતો. ભાવનગરમાં 370ની કલમનો વિશેષ દરજજો સમાપ્ત કર્યા બાદ સાધુએ રાજાશાહી અંદાજમાં ઉજવણી કરી હતી. તપસી બાપુની વાડીએ સાધુએ નાની તોપ ફોડી સલામી આપી હતી.



જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35 એ હટાવવા મુદ્દે દાહોદમાં નગરપાલિકા ચોક ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવાયો હતો. ભાજપના સમર્થકો દ્વારા મીઠાઇ વેચી મોદી અને અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા.