ગાંધીનગર: આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનાના ધોરણોમાં સુધારો કરવામાં આવ્યો છે. ૩૧ માર્ચ-ર૦રર સુધીની કે તે પહેલાંના બાકી તમામ વેરા ૩૧ માર્ચ-ર૦ર૩ સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને નોટિસ ફી-વ્યાજ-પેનલ્ટી અને વોરંટ ફીમાંથી ૧૦૦ ટકા માફી મળશે. ૨૦૨૩-૨૪ના વર્ષના વેરાની રકમ ૩૦ જૂન-ર૦ર૩ સુધીમાં એડવાન્સ ભરનારા કરદાતાને ૧૦ ટકા રિબેટ મળવાપાત્ર થશે. ઓનલાઇન પોર્ટલ મારફતે એડવાન્સ ટેક્ષ ભરનારા કરદાતાને વધારાનું પાંચ ટકા રિબેટ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્યની તમામ વર્ગની નગરપાલિકાઓ પૂરતા નાણાં ભંડોળ અને નાણાંકીય વ્યવસ્થાપન દ્વારા આત્મનિર્ભર બને અને નગરોના કરદાતાઓને પણ કર ભરવામાં પ્રોત્સાહન મળે તેવા હેતુથી "આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના "જાહેર કરેલી છે. આ સંદર્ભમાં આ વળતર યોજનાના ધોરણો વધુ ઉદાર બનાવવાના જનહિતકારી બે નિર્ણયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા છે. મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર, જે કરદાતાઓ તેમની મિલ્કત ઉપરના તા.૩૧મી માર્ચ-ર૦રર સુધીના કે તે પહેલાના માંગણા બિલના તમામ પ્રકારના વેરાની બાકી રકમ તા.૩૧મી માર્ચ-ર૦ર૩ સુધીમાં ભરપાઇ કરે તેમને નોટિસ ફી, વ્યાજ પેન્લટી અને વોરંટ ફી ની રકમ ૧૦૦ ટકા માફ કરી દેવાશે.
...તો ગુજરાતની આ શાળાઓની NOC રદ્દ કરશે રાજ્ય સરકાર
રાજ્યમાં ગુજરાતી ભાષા ફરજીયાત ભણાવવાનો મામલો હવે ગરમાવા લાગ્યો છે. જાહેરહિતની અરજી પર હાઈકોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ન ભણાવાતા હોવાની અરજદારે રજૂઆત કરી હતી. ગુજરાતી નહીં ભણાવતી શાળાઓ સામે શું પગલા લેવાશે તેનો સવાલ હાઈકોર્ટે કર્યો હતો. ગુજરાતી ન ભણાવતી શાળાઓને નોટિસ ઈશ્યૂ કરી છે તેવો જવાબ સરકારે આપ્યો છે. સરકારે એમ પણ કહ્યું કે, ગુજરાતી ભાષા ફરજિયાત નહીં ભણાવનાર શાળાઓની NOC રદ્દ કરાશે. રાજ્યની 23 શાળાઓ ગુજરાતી ન ભણાવતી હોવાની અને તેમના વિરુદ્ધ પગલા લેવાયાની હાઈકોર્ટને જાણ કરાઈ છે. હવે આ મામલે વધુ સુનાવણી 3 ફેબ્રુઆરી હાથ ધરાશે. હાઇકોર્ટે રાજ્ય સરકારના નિર્દેશ આપ્યા કે અરજદારે કરેલા સૂચન બાબતે પણ સરકાર નિર્ણય લે.
પોલીસ કોન્સ્ટેબલ IPSની જાસૂસી કરે આ ગુજરાત મોડલ છે: ઈસુદાન ગઢવી
અમદાવાદ: આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ઈસુદાન ગઢવીએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, પોલીસ દારૂનો વેપલો કરે છે. 2 પોલીસ કર્મચારી 15 પોલીસ કર્મચારીની જાસૂસી કરે છે. 600 લોકેશન બુટલેગરને મોકલાયા હોવાનો પણ ઈસુદાને આક્ષેપ કર્યો છે.
ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે, પોલીસ અરવલ્લીમાં દારૂની ખેપ કરતા પકડાય છે. બોટાદમાં 9 વર્ષની બાળકી પર ગેંગરેપ અને ત્યારબાદ હત્યા કરવામાં આવે છે. છતા પણ કોઈ ઉચ્ચ અધિકારી જવાબ નથી આપતા. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 7041 બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. રોજ 6-7 બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવે છે. 195 કેસોમાં જ ગુનેગાર પકડાયા છે. સરકાર-મુખ્યમંત્રી પોતે કાયદો વ્યવસ્થાનું મોનીટરીંગ કરે. બુટલેગર પોલીસ પાસેથી દારૂ ખરીદે છે. સંડોવાયેલ ઉચ્ચ હોદ્દેદારોને પદ પરથી દૂર કરવામાં આવે તેવી તેમણે માગ કરી છે. પોલીસ કોન્સ્ટેબલ IPSની જાસૂસી કરે આ ગુજરાત મોડલ છે. બિહાર જેવા રાજ્યો એક સમયે ગુન્હાખોરી માટે જાણીતા હતા તેની જગ્યાએ ગુજરાત ગુન્હાખોરીનું હબ બન્યું છે.