ગાંધીનગર:  દેશની બેન્કો અને નાણાકીય સંસ્થાઓએ ફરી એકવાર ભારતમાં મોસ્ટ ફેવરેટ ઇન્વેસ્ટમેંટ ડેસ્ટીનેશન તરીકેની ઓળખ ધરાવતાં ગુજરાતમાં રોકાણ કરાયેલા વિકાસ પ્રોજેક્ટ્સમાં તેમનો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.


45 પ્રોજેક્ટ્સની સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને


રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ હાલમાં બહાર પાડેલ તેના ઓગસ્ટ મહીનાના બુલેટિનમાં જણાવ્યું છે કે વર્ષ 2022-23 માં, દેશમાં સૌથી વધુ 82 વિકાસ પ્રોજેક્ટ્સને બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ફંડ પૂરું પાડવામાં આવ્યું છે. આ કેટેગરીમાં 48 પ્રોજેક્ટ્સની સાથે મહારાષ્ટ્ર બીજા સ્થાને અને 45 પ્રોજેક્ટ્સની સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને છે. જો કે,બેન્કો/નાણાકીય સંસ્થાઓ દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સના કુલ ખર્ચની વાત કરીએ, તો ગુજરાત 14 ટકાના હિસ્સા સાથે દેશમાં બીજા સ્થાને છે.


આ ઉપરાંત, આરબીઆઈના આ બુલેટિન મુજબ છેલ્લા 10 વર્ષમાં અર્થાત 2013-14 થી 2022-23 ની વાત કરીએ, તો આ સમયગાળામાં પણ, દેશની બેન્કો અને નાણાકીય સંસ્થાઓનો સૌથી વધુ વિશ્વાસ ગુજરાતમાં રોકાણ કરાયેલા વિકાસ પ્રોજેક્ટ્સ પર રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં 692 વિકાસ પ્રોજેક્ટ્સને ફંડ મળ્યું છે, જે કોઈ પણ રાજ્યમાં ફંડ મેળવનારા વિકાસ પ્રોજેક્ટ્સની સંખ્યાના સંદર્ભમાં દેશમાં સૌથી વધુ છે.


વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ


આરબીઆઈના આ બુલેટિન રિપોર્ટમાં ઉલ્લેખિત વર્ષ 2022-23ના આ આંકડાઓ અને છેલ્લા 10 વર્ષની આ સિદ્ધિને ગુજરાતની રોકાણ અનુકૂળ પોલિસી,ઉદ્યોગ પ્રિય વાતાવરણ અને રાજ્યની સૌથી મોટી ઈન્વેસ્ટર સમિટ “વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ” ની સિદ્ધિની સાથે-સાથે તેને વડાપ્રધાન દ્વારા બતાવેલા માર્ગને અનુસરવાના પ્રતિફળ તરીકે પણ જોઈ રહી છે.


રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની રિપોર્ટ


ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાન્યુઆરી 2024માં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટની દસમી શૃંખલાનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા છે. આવા સમયે ગુજરાતે હાંસલ કરેલી આ સિદ્ધિ આગામી વાઇબ્રન્ટ સમિટ માટે મહત્વની તો છે જ, પરંતુ આ કાર્યક્રમની સફળતા માટે પણ આ આંકડાઓ ખૂબ જ ફાયદાકારક બની શકે છે. આપને જણાવી દઇએ કે, વાઇબ્રન્ટ ગુજરાત 2024ના આયોજનના માધ્યમથી ફરી એક વાર ગુજરાત મોટા પાયા પર રોકાણ અને વિકાસ પ્રોજેક્ટ્સને આકર્ષિત કરવાની તૈયારીમાં છે અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની આ રિપોર્ટ ચોક્કસપણે ગુજરાતમાં રોકાણ કરવા માટે રોકાણકારો માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે.