અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ ગુજરાત ભાજપમાં બહુ મોટો ફેરફાર કરીને ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લાં બે દાયકાથી કામ કરતા અને નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ મનાતા ભીખુભાઈ દલસાણિયાને હટાવી દીધા છે. ભીખુભાઈ દલસાણિયાના સ્થાને રત્નાકરની ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ છે.
પ્રદેશ ભાજપમાં ઘણા લાંબા સમયથી સેવા આપનાર ભીખુભાઈ દલસાણીયાનું હવે શું થશે એ સવાલ ભાજપમાં પૂછાઈ રહ્યો છે. ભાજપમાં એવી ચર્ચા છે કે, દલસાણિયાને રાષ્ટ્રીય સ્તરે કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવશે.
ભીખુભાઈ દલસાણિયાએ બહુ લાંબો સમય પાર્ટીની સેવા કરી છે અને તેમની છાપ જબરદસ્ત કુનેહવાળા વ્યક્તિ તરીકેની છે. આ કુનમેહનો ઉપયોગ કરવા માટે આવનારા દિવસોમાં ભીખુભાઈને નવી કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે
ભાજપની પિતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોને વરેલા ભીખુભાઈ દલસાણીયા સફળ રણનીતિકાર ગણાય છે. હંમેશાં વિવાદથી દૂર રહીને લો પ્રોફાઈલ વ્યક્તિત્વ રાખીને કામ કરનારા દલસાણીયાએ છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે. નરેંદ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે સંગઠન મહામંત્રી નિમાયેલા ભીખુભાઈની સંગઠનમાં બોલબાલા હતી.
પાટીદાર સમાજના ભીખુભાઈ દલસાણીયા તમામ સમાજોમાં લોકપ્રિય છે. દલસાણિયા ભાજપના એક એવા નેતા છે જેમને નાના કાર્યકરથી લઈને કેંદ્ર સરકારના મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ સથે સીધા સંબંધ છે. હાલમાં તેમને ગુજરાત સંગઠનના મહામંત્રીની જવાબદારીથી દૂર કરાયા હોય પણ તેમની અત્યાર સુધીના રાજકીય કારકિર્દીને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં ભીખુભાઈને પાર્ટી હાઈકમાંડ કોઈ મહત્વની જવાબદારી સોંપશે એવી પ્રબળ શક્યતા છે.
ભીખુભાઈ દલસાણીયાને સ્થાને ભાજપના નવા સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી છે. ભીખુભાઈ દલસાણીયાએ ટ્વિટરના માધ્યમથી રત્નાકરને અભિનંદન પાઠવ્યા છે. ભીખુભાઈ દલસાણીએ ટ્વિટર કરીને લખ્યુ કે, માનનીય શ્રી રત્નાકરજીને ગુજરાતના સંગઠન મહામંત્રી નિયુક્ત થતાં સહર્ષ અભિનંદન અને શુભેચ્છા..