ગાંધીનગરઃ તાજેતરમાં યોજવામાં આવેલી બિન સચિવાલય ક્લાર્ક તથા ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના કોગ્રેસના આક્ષેપો બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બચાવમાં આવ્યું છે. GPSCના ચેરમેન અસિત વોરાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, જે ગેરરીતિ માટે જવાબદાર હશે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, તમામ પરીક્ષાઓ પારદર્શક રીતે લેવામાં આવી છે. હજુ સુધી આવો કોઈ બનાવ બન્યો નથી. જે રીતે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તે બાબતે અમે ચોક્કસ તપાસ કરીશું. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગુજરાત કોગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપ કર્યા હતા. આ સાથે તેમણે પરીક્ષામાં ગેરરીતિ કરતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા હતા. આંદોલન થયા છતાં સરકાર મિલીભગતના કારણે મળતીયાઓને લાભ અપાવવા માટે પારદર્શક ભરતી કરતી નથી.

કોગ્રેસના આક્ષેપો બાદ અસિત વોરાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે તમામ પરીક્ષાઓ પારદર્શક રીતે લેવામાં આવે છે. જે સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે તેની અમે તપાસ કરીશું. જે પણ કસૂરવાર હશે તેમની સામે તપાસ કરીશું. ગુનેગારો સામે પગલાં લેવાશે. અમે સીસીટીવી મંગાવ્યા છે. જે પરીક્ષા કેન્દ્ર સંચાલક દ્વારા આ સીસીટીવી લીક કરાયા છે તેની સામે પણ પગલા લઈશું.

બાદમા કોગ્રેસ નેતા મનીષ દોશીએ કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ક્યાં સેન્ટર પર કેવી રીતે ગેરરીતિ થઇ છે તેના સીસીટીવી ફૂટેજ ફરી રહ્યા છે.  એક વિધાર્થીએ પરીક્ષા પહેલા કેવી ગેરરીતિ થઈ તેની ફરીયાદ કરી હતીય ગુજરાતમાં પણ શિવરાજ સરકારની જેમ વ્યાપમ કૌભાંડ ચાલે છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પરીક્ષા રદ કરવાની માંગણી સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.