અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન બાદ  રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બાયડના ધારાસભ્ય  ધવલસિંહ ઝાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. આ અગાઉ રાજ્યસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું હતું. મળતી જાણકારી અનુસાર, રાજ્યસભાની ચૂંટણીમાં કોગ્રેસના ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યુ હતું. કૉંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ક્રોસ વોટિંગની વાતને સમર્થન આપ્યું હતું. કૉંગ્રેસે વ્હીપ જાહેર કર્યો હોવા છતા બંને ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. સૂત્રોના મતે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.કોંગ્રેસના સમર્થકોએ અલ્પેશ ઠાકોરની વિરૂદ્ધમાં સુત્રોચ્ચારો પોકાર્યા હતા કે, અલ્પેશ ઠાકોર 20 કરોડોમાં વેચાયો છે.

કોગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, કોગ્રેસ પાર્ટીમાં ઘણા સમયથી મારી સાથે ખરાબ વર્તન કરવામાં આવતુ હતું. રાજ્યસભાની ચૂંટણીમાં થયેલા મતદાનમાં મેં મારા અંતર આત્માના અવાજથી દેશના નેતૃત્વને મારો મત આપ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ હું માનસિક ત્રાસથી મુક્ત થયો છું.


ગુજરાતમાં ખાલી પડેલી બે રાજ્યસભાની બેઠકો માટે સવારે નવ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો.  ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા વોટિંગ કરવા પહોંચ્યા હતાં.  કુલ 107 ધારાસભ્યોએ વોટિંગ કર્યું હતું. જેમાં 84 ધારાસભ્યો ભાજપના છે જ્યારે બાકીના 23 ધારાસભ્યો કોંગ્રેસ સહિત અન્ય પક્ષના છે. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના ડરના કારણે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને આબુ-પાલનપુર રોડ પર આવેલી બાલારામ રિસોર્ટમાં લઈ ગઈ હતી.


નોંધનીય છે કે, ભાજપ તરફથી વિદેશમંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોરને ઉમેદવાર બનાવાયા છે, જ્યારે કોંગ્રેસમાંથી ચંદ્રીકા ચુડાસમા અને ગૌરવ પંડ્યાને ઉમેદવાર બનાવાયા છે.