ગાંધીનગરઃ આજે ભાજપ દ્વારા ગુજરાતની વધુ ત્રણ બેઠકો માટેના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા અત્યાર સુધીમાં 16 ઉમેદવારો જાહેર કર્યા છે. આજે ભાજપે પંચમહાલ, બનાસકાંઠા અને પોરબંદર સીટ પરથી ઉમેદવારો જાહેર કર્યા છે. આ ત્રણેય સીટો પર વર્તમાન સાંસદોને ટિકીટ આપવામાં આવી નથી.



બનાસકાંઠાની વાત કરીએ તો કેન્દ્રીય પ્રધાન હરીભાઈ ચૌધરીનું પત્તુ કપાઇ ગયું છે. તેમની જગ્યાએ ભાજપે વિજય રૂપાણી સરકારના મંત્રી અને ધારાસભ્ય પરબત પટેલને મેદાનમાં ઉતાર્યા છે. પરબત પટેલ ચૌધરી સમાજમાંથી આવે છે. ઘણાં લાંબા સમયથી તેઓ ભાજપની સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે.

આ બેઠક પર અત્યાર સુધી પૂર્વ મંત્રી શંકર ચૌધરી, પરથી ભટોળનું નામ ભારે ચર્ચામાં હતું. જોકે, ભાજપે પરબત પટેલને ટિકીટ આપતાં તમામ અટકળોનો અંત આવ્યો છે.