ગાંધીનગરઃ આજે ભાજપ દ્વારા ગુજરાતની વધુ ત્રણ બેઠકો માટેના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે અત્યાર સુધીમાં 16 ઉમેદવારો જાહેર કર્યા છે. આજે ભાજપે પંચમહાલ, બનાસકાંઠા અને પોરબંદર સીટ પરથી ઉમેદવારો જાહેર કર્યા છે. આ ત્રણેય સીટો પર વર્તમાન સાંસદોને ટિકીટ આપવામાં આવી નથી.



પંચમહાલ બેઠકની વાત કરીએ તો આ બેઠક પર અત્યાર સુધી પ્રભાતસિંહ ચૌહાણ ચૂંટણી લડતા હતા. પ્રભાતસિંહ છેલ્લી બે ટર્મથી લોકસભા જીતતા હતા અને અગાઉ પાંચ વાર ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેમણે ચૂંટણી જાહેર થઈ તે પહેલાં જ પોતાને જ ટિકીટ મળવાની છે અને મોટી લીડથી જીતવાને છે, તેવો દાવો કર્યો હતો.

જોકે, ભાજપે આજે પંચમહાલ બેઠક પરથી ઉમેદવારની જાહેરાત કરતાં તેમનો દાવો ખોટો સાબિત થયો છે. ભાજપે આ બેઠક પર તેમની જગ્યાએ રતનસિંહ રાઠોડને ટિકીટ આપી છે. રતનસિંહ રાઠોડ લુણાવાડાથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે.