ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે કેગનો ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. કેગના રિપોર્ટ અનુસાર, જાહેર ક્ષેત્રના ઉપક્રમોએ 3813 કરોડ રૂપિયાની ખોટ કરી છે જ્યારે 50 એકમોએ 5113 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. કેગના રિપોર્ટમાં  સરકારને આ મુદ્દે યોગ્ય નીતિ ઘડવા માટે ટકોર કરવામાં આવી હતી.


કેગના અહેવાલ અનુસાર ખોટ કરતા જાહેર એકમોમાં GSPC એ રૂ 1564 કરોડ, સરદાર સરોવર નિગમે રૂપિયા 1075 કરોડ, ભાવનગર એનર્જી કંપનીએ રૂપિયા 617 કરોડ અને GSRTC એ રૂપિયા 264 કરોડની ખોટ કરી હતી. ઉપરાંત ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે રૂ 137 કરોડની ખોટ કરી છે. રાજ્યની ચડત રાજકોષીય જવાબદારીઓમાં 2013-14માં 183057 કરોડ રૂપિયા હતી તે 9.01 ટકાનાં સરેરાશ વાર્ષિક દરે વધીને 256366 કરોડ રૂપિયા થઇ હતી.

માર્ચ 2018ના અંતે માર્ગ મકાન અને નર્મદા વિભાગની 96 યોજનાઓ અધૂરી છે. રાજ્ય સરકારે આ મામલે ઝડપથી કામ પૂર્ણ કરવા જોઈએ તેવી ટકોર કેગે કરી હતી. 017-18 દરમિયાન 1,82,971 કરોડ રૂપિયાની જોગવાઈ સામે 161063 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. 21908 કરોડ રૂપિયાની રકમ વપરાઇ નથી.
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કૃષિ સહકાર, શિક્ષણ, વન પર્યાવરણ, આરોગ્ય, નર્મદા, પંચાયત અને માર્ગ મકાન આ વિભાગોએ વધારાના ખર્ચ કર્યા હતા. ખોટના કારણે રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમને કુલ રૂ 22,431 કરોડનું નુકસાન થયું છે.